– કલ્પેશ દેસાઈ
“બેન! જય શ્રી કૃષ્ણ”‘,
‘ગેલોપ્સ’ સિક્યુરિટી એજન્સીની ઓફિસમાં આગલા દિવસે સાંજે મિટિંગમાં નક્કી થયા મુજબ બીજે દિવસે સવારે સિક્યુરિટી ગાર્ડે પોતાના ભાગે આવેલ જવાબદારી નિભાવવાની શરૂઆત કરી.
બીજા દિવસે સવારમાં જયારે છાંયા સજી-ધજીને બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં પ્રવેશી, ત્યારે તે પોતાની મદ મસ્ત ચાલે પોતાની ધૂનમાં જ આગળ વધી રહી હતી ત્યાં જ તેની ધૂનમાં વચ્ચે ખલેલ પડી. બિલ્ડીંગના એન્ટ્રન્સમાં કાયમ ઊભા રહેતા ગાર્ડે આજે બંને હાથ જોડીને ‘જય શ્રી કૃષ્ણ’ થી છાયાનું અભિવાદન કર્યું. સામે છાંયાએ પણ સસ્મિત ટહુકો કર્યો,
“જય શ્રી કૃષ્ણ કાકા!”
“બેન! આપનું એક નાનકડું કામ હતું.”
પ્રફુલ્લે વ્યવસ્થિત શબ્દો ગોઠવી સાવચેતીપૂર્વક વાતની શરૂઆત કરી.
“બેન મારી એક ભાણેજ છે, બહુ જ હોશિયાર અને બહુ જ ભણેલી છે, હમણાં થોડા સમય પહેલા જ બનેવીનું અકસ્માતમાં અવસાન થયું છે એટલે ઘરમાં થોડી પૈસાની જરૂર છે, મારી ભાણેજ કોઈપણ સારું કામ કરવા તૈયાર છે. આપણા આ બિલ્ડિંગમાં આવતા અનેક લોકોમાંથી આપ મને થોડા માયાળુ લાગ્યા અને આપને જોતા જ એવું લાગે કે, આપની પહોંચ બહુ ઉપર સુધી હશે. જેથી, આપ મારી ભાણેજને ચોક્કસ કોઈ સારી જગ્યાએ ગોઠવી આપશો, એવું મને લાગ્યું એટલે આજે તમને વિનંતી કરી રહ્યો છું.”
પ્રફુલને જે રીતે આગલા દિવસે સાંજે ટ્રેનિંગ આપવામાં આવી હતી, તે મુજબ તેણે શબ્દોના તીરનો મારો ચલાવી દીધો.
સિક્યુરિટી ગાર્ડની વાત સાંભળી છાંયાની આંખમાં ચમક આવી ગઈ. કેમકે, તેને અત્યારે ખરેખર સ્ટાફની ખાસ જરૂરિયાત હતી. આનંદ ભાવનાગરીએ તેને તાકીદ કરી હતી કે, જેમ બને તેમ ઝડપથી નવા નવા એમ્પ્લોયી શોધી લાવો અને એમાં પણ એવા લોકો ખાસ શોધવા કે, જેમને પૈસાની ખૂબ જરૂરિયાત હોય અને પૈસા માટે કોઈપણ કામ કરવા તૈયાર હોય.
છાંયાને મનમાં થયું કે, આ તો બગાસુ ખાતા પતાસુ આવ્યું. કુદરત આપણી ઉપર મહેરબાની લાગે છે.
પણ એને ક્યાં ખબર હતી કે, આ બગાસુ એણે ખાધું નથી એને ખવડાવવામાં આવી રહ્યું છે.
“કાકા! હાલમાં તો મારા ધ્યાનમાં એવી કોઈ નોકરી નથી. પરંતુ, તમારી રજૂઆત કરવાની રીત અને વિનમ્રતા મને ગમી. એક કામ કરો તમારી ભાણેજ ને કેજો કે, એનો બાયોડેટા લઈ મને રૂબરૂ મળી જાય. જોઉં છું મારાથી કંઈક થશે તો ગોઠવી આપીશ.”
પોતાને ગરજ છે એવો જરા પણ અણસાર આવવા દીધા વગર છાંયાએ ઠાવકાઈથી પ્રફુલ્લભાઈની ગરજને પોતાની લુચ્ચાઈથી આંજવાનો પ્રયત્ન કર્યો.
“બેન! મળવા ક્યારે બોલાવું?”
પોતાને નોકરીની ખૂબ ગરજ છે તેવું બતાવવા પ્રફુલભાઈએ છાંયાના જવાબની રાહ જોયા વગર આગળ ચલાવ્યું,
“જો બેન તમે કહો તો આજે જ બોલાવી લઉં, કારણ કે, અમારે નોકરીની ખૂબ જ જરૂરિયાત છે.”
“આમ તો આજે હું બહુ વ્યસ્ત છું, પણ એક કામ કરો, આજે બપોર પછી એક વાર મળવા બોલાવી તો લો. તમે વખાણ કરો છો તે મુજબનું કંઈ પણ તમારી ભાણેજમાં હશે તો મારાથી બનતો પ્રયત્ન કરી હું એને ક્યાંક ગોઠવી આપીશ.”
છાંયાએ પણ દમદાર અભિનયને આગળ ધપાવ્યો.
“આપનો ખૂબ ખૂબ આભાર, બેન!”
પ્રફુલભાઈએ ફરી બે હાથ જોડી આ વખતે થોડા આગળની તરફ નમી છાંયાનો આભાર વ્યક્ત કર્યો અને છાંયાએ બિલ્ડીંગ તરફ ડગલા આગળ માંડ્યા.
છાયાના બિલ્ડીંગની અંદર પ્રવેશી ગયા પછી પ્રફુલભાઈએ હડી કાઢી બાજુના ટેલીફોન બુથ ઉપરથી વિશુભાને ફોન કરી સઘળી માહિતી આપી.
પ્રફુલ્લ ગાર્ડ પાસેથી મળેલી માહિતી વિશુભાએ જાડેજા સાહેબને શેર કરી દીધી.
“બેટા! આપણી યોજનાની આગળની સફળતાનો બધો જ આધાર હવે તારા પર છે!”
જાડેજા સાહેબ વૈશાલીને ફોન પર સમજાવી રહ્યા હતા.
“આજે બપોરે તારે તારો બાયોડેટા લઈને ત્યાં મળવા જવાનું છે, ત્યાં કોઈ મેડમને તારે મળવાનું છે, પણ ‘તારા મામા’ એટલે કે આપણા સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લભાઈ, ઉત્સાહમાં તે મેડમનું નામ પૂછતા ભૂલી ગયા છે. પણ વાંધો નહીં આવે કેમકે, મેડમને મળવા માટે પ્રફુલભાઈ તારી સાથે આવશે. કદાચ, તને ફ્લેટના દરવાજા સુધી મૂકી જશે. પુરા આત્મવિશ્વાસથી ઇન્ટરવ્યૂ આપજે. ક્યાંય મૂંઝાતી નહીં. કંઈ પણ મુશ્કેલી પડે તો મારો હેડ કોન્સ્ટેબલ હર્ષદ અને એક લેડી કોન્સ્ટેબલ ત્યાં ફ્લેટની બહાર સાદા કપડામાં તહેનાત રાખીશ.”
જાડેજા સાહેબના અવાજમાં તાકીદ સાથે વૈશાલી પ્રત્યેની ચિંતા પણ પ્રતીત થઈ રહી હતી.
“સર! તમે જરા પણ ચિંતા કરતા નહીં મારી પાંચ વર્ષની જોબ પ્લેસમેન્ટ રિક્રુટરની કારકિર્દીમાં લગભગ 1000થી વધુ ઇન્ટરવ્યૂ હું લઈ ચૂકી છું, એટલે ઇન્ટરવ્યૂ આપનાર અને ઇન્ટરવ્યૂ લેનાર બંનેની માનસિકતાનો મને સુપેરે ખ્યાલ છે.”
વૈશાલીએ આત્મવિશ્વાસ સાથે જાડેજા સાહેબને બાંહેધરી આપી.
“અને સર, આપણે નક્કી થયા મુજબ મારા બાયોડેટામાં આપણે નામ, સરનામું, રેફરન્સ બધી જ વિગતો સાચી લખી છે. ફક્ત હું પાંચ વર્ષથી નોકરી કરું છું તે દર્શાવ્યું નથી. એટલે મારે વધુ કંઈ યાદ રાખવાનું કે, ગોખવાનું પણ નથી અને તમામ વિગતો સાચી હોય, કોઈ ક્રોસ ચેકિંગ કરશે તો પણ આપણને ક્યારેય વાંધો નહીં આવે, તમે નિશ્ચિંત રહેજો સર. હું ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળીને તમને તરત જ સારા સમાચાર આપીશ.”
“માં આશાપુરા તમારી રક્ષા કરે, સફળ થાવ દીકરીબા.”
અનાયાસે જ જાડેજા સાહેબના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.
બીજી તરફ ઓફિસમાં પ્રવેશતાની સાથે છાંયા સીધી જ આનંદની ચેમ્બરમાં ગઈ.
“મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ છે, આનંદ.”
“મારી પાસે પણ તારા માટે એક બહુ જ મોટી સરપ્રાઈઝ છે મારી જાન, પણ પહેલા તું તારી સરપ્રાઈઝ જણાવ.”
મને ઓલમોસ્ટ આપણી જરૂરિયાત મુજબ પરફેક્ટ, એક એમ્પ્લોઇ મળી ગઈ છે. આજે ઇન્ટરવ્યૂ દેવા આવશે, હવે તું તારી સરપ્રાઈઝ જણાવ.”
જવાબમાં આનંદે ટેબલના ડ્રોવરમાંથી એક ચાવીનો ગુચ્છો કાઢી છાંયાના હાથમાં મુક્યો.
“આ શું છે આનંદ!?”
“આજથી આપણે આ ઓફિસમાં નહીં બેસીએ, આ આપણી નવી ઓફિસની ચાવી છે!”
“એટલે…??”
છાંયાએ પોતાની મારકણી આંખો નચાવતા આશ્ચર્યચકિત ચહેરે આનંદને પૂછ્યું,
“એટલે એમ કે હવે આ આખા ફ્લેટમાં માત્રને માત્ર આપણું કોલ સેન્ટર રહેશે. મીટીંગ રૂમ, તારી ઓફિસ, મારી ઓફિસ અને રિસેપ્શન કાઉન્ટર આપણને અડીને આવેલા ઠીક બાજુના ફ્લેટમાં કાર્યરત રહેશે. નવી જગ્યામાં આપણી પેન્ટ્રી અને કેન્ટીન પણ હશે એટલે ચા નાસ્તો પણ બહારથી નહીં મંગાવો પડે. ઘણા દિવસથી હું બાજુનો ફ્લેટ ભાડે રાખવાની ફિરાકમાં હતો. આખરે એ ફ્લેટના માલિક ‘વાઘેલા કાકા’ પાસેથી મને એ ભાડે મળી ગયો છે અને આજે સવારે જ એની ચાવી હાથમાં આવી છે. તને સરપ્રાઈઝ આપવી હતી માટે આ કાર્યવાહીની તને કોઈ જાણ થવા દીધી નથી.”
આનંદે વાત પૂરી કરતાં કરતાં, છાંયાને ખેંચી અને પોતાના ખોળામાં બેસાડી લીધી.
આનંદના ખોળામાં બેઠા બેઠા છાંયાએ તેના ગાલ પર હળવી ટાપલી મારી ધીમેથી કહ્યું,
“લુચ્ચા.., તું લોકોને છેતરતા છેતરતા હવે મને પણ છેતરવા લાગ્યો છે.”
પરંતુ છાયા પોતાની વાત પૂરી કરે તે પહેલા જ આનંદે તેના હોઠ પર એક તસતસતુ ચુંબન ચોડી દીધું અને અડધા અધૂરા શબ્દો છાંયા ગળી ગઈ.
આનંદની દુરંદેશી લાજવાબ હતી, અને તે દરેક કાર્ય માટે પૂર્વ યોજના કરી ક્રમબદ્ધ રીતે આગળ વધતો. છાંયાને ભલે તેણે સરપ્રાઈઝના સોનેરી ચશ્મા પહેરાવ્યા, પણ વાસ્તવિકતા એ હતી કે, જ્યાં સુધી પોતાનો કોઈ પ્લાન એક્ઝિક્યુટ ન થાય ત્યાં સુધી આનંદ કોઈ પણ સાથે પોતાની યોજના શેર કરતો નહીં.
આનંદે ઘડી રાખેલ પૂર્વ યોજના મુજબ ત્રણ કલાકમાં તો તેણે બોલાવેલા પ્રોફેશનલ માણસોએ આખી ઓફિસ બાજુમાં શિફ્ટ કરી અને કામ ચલાવ ત્રણ ચેમ્બર પણ તૈયાર કરી આપી અને આનંદ તેમજ છાયા પોત પોતાની નવી ચેમ્બરમાં સહર્ષ શિફ્ટ થયા.
ઠીક બપોરે ચાર વાગે વૈશાલી, સાદા કપડામાં હેડ કોન્સ્ટેબલ હર્ષદ અને સાથે સાદા ડ્રેસમાં રહેલી એક બીજી લેડી કોન્સ્ટેબલ લોકેશન નજીક પહોંચ્યા. આગલા દિવસે વિશુભાની ઓફિસમાં પ્લાનિંગ કરતી વખતે વૈશાલી અને સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લ એકબીજાને મળી ગયા હોય તેથી ઓળખતા હતા, માટે સાદા કપડામાં રહેલા હેડ કોન્સ્ટેબલ હર્ષદ અને લેડી કોન્સ્ટેબલ બંને બિલ્ડિંગથી લગભગ 40-50 મીટરના અંતરે ઊભા રહી ગયા અને વૈશાલી બિલ્ડીંગ તરફ આગળ વધી. બિલ્ડિંગમાં પ્રવેશી વૈશાલી સિદ્ધિ જ સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લ પાસે ગઈ. પ્રફુલ્લ સાથે કેમ છો?, કેમ નહીં, કર્યું અને બંને જણા ઉપર છાંયાને મળવા માટે રવાના થયા ત્યારે વૈશાલી એકદમ સ્વસ્થ જણાતી હતી પણ સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લનું દિલ જોર જોરથી ધબકારા મારી રહ્યું હતું.
આનંદ ભાવનગરીની ઓફિસ જે ફ્લેટમાં આવેલી હતી ત્યાં પહોંચી સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લે ધ્રુજતા હાથે ડોરબેલ દબાવી. થોડી સેકન્ડ પછી દરવાજો જરાક અમથો ખુલ્યો અને અંદરથી પટાવાળા જેવા દેખાતા એક યુવકે ડોકું બહાર કાઢ્યું. કાયમ દરવાજે ઊભા રહેતા સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લને જોઈ એ યુવક ઓળખી ગયો અને દરવાજો થોડો વધુ ખોલી તે બહાર આવ્યો અને પૂછ્યું,
“બોલો કાકા શું કામ હતું?”
“ભાઈ, અહીંયા જે મેઇન મેડમ છે તે આજે સવારે મને નીચે મળ્યા હતા, અને મેં તેમની સાથે મારી ભાણેજની નોકરી માટે વાત કરી હતી, તો તેમણે બપોર પછી મળવા બોલાવ્યા છે.”
પ્રફુલ્લે ટૂંકમાં વાત કરી.
“કાકા બે મિનિટ ઊભા રહો, હું અંદર પૂછીને આવું છું.”
એટલું કહી પ્રફુલ્લના કોઈ પ્રતિભાવની રાહ જોયા વગર યુવક ફરીથી ફ્લેટમાં અંદર ચાલ્યો ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.
પ્રફુલ્લ અને વૈશાલી પાસે ત્યાં ઊભા રહી રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. લગભગ પાંચ મિનિટ જેવો સમય વીતી ગયો એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, ત્યાં જ અચાનક ફરીથી ફ્લેટનો દરવાજો ખુલ્યો અને પહેલો યુવક બહાર આવ્યો.
“આવો કાકા મારી સાથે”
એટલું બોલી એ યુવક લોબીના બીજા છેડે આવેલ ફ્લેટ તરફ આગળ વધ્યો અને પ્રફુલ તેમજ વૈશાલી પણ તેની પાછળ પાછળ આગળ વધ્યા. લોબીના સામા છેડે આવેલ ફ્લેટ પર જઈ એ યુવકે ડોરબેલ વગાડી. ફ્લેટનો દરવાજો ખુલ્યો એટલે સિક્યુરિટી ગાર્ડ પ્રફુલ્લ ને ત્યાં જ બહાર ઊભા રહેવાનો ઈશારો કરી ઝડપથી તે યુવક ફ્લેટમાં પ્રવેશી ગયો અને તુરંત જ બહાર આવી પ્રફુલ્લ અને વૈશાલીને અંદર બોલાવી લીધા.
ફ્લેટ હજુ આજે જ ભાડા પર લીધો હોય અને બે કલાક પહેલા જ બધો સામાન ગોઠવાયો હોય હજી ઘણી ખરી ગોઠવણ બાકી હતી. એટલે ઘણું બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું પરંતુ, રિસેપ્શન કાઉન્ટર અને વેઈટિંગ માટેનો સોફો સેટ થઈ ગયા હતા. પ્રફુલ અને વૈશાલીને ત્યાં બેસવાનો ઈશારો કરી પેલો યુવક અંદરની સાઈડ આવેલ એક રૂમમાં અંદર ગયો.
તે દરમિયાન પ્રફુલ સ્થિત પ્રજ્ઞ પરિસ્થિતિમાં સોફા પર બેઠો રહ્યો અને બાજુમાં બેસેલી વૈશાલી ચારે તરફ ફ્લેટનું નિરીક્ષણ કરવામાં લાગી ગઈ. લગભગ એકાદ મિનિટ પછી યુવક અંદરના રૂમમાંથી બહાર આવ્યો અને યુવકની પાછળ પાછળ છાંયા પણ બહાર આવી અને સીધી જ પ્રફુલ્લ પાસે આવીને ઊભી રહી.
છાંયાને જોઈ પ્રફુલ્લ સોફામાંથી ઉભો થઈ ગયો અને યંત્રવત વૈશાલીએ પણ તેનું અનુકરણ કર્યું.
“જય શ્રી કૃષ્ણ બેન”
પ્રફુલ્લે બે હાથ જોડયા, વૈશાલીએ પણ યંત્રવત પ્રફુલ્લનું અનુકરણ કર્યું.
છાંયા એક નજર વૈશાલી પર નાખી પ્રફુલ્લને કહ્યું,
“કાકા!, હવે તમે છુટા, હું તમારી ભાણેજ સાથે થોડી વાતો કરી લઉં પછી એ નીચે આવી જશે.”
પ્રફુલ્લને સત્તાવાહી અવાજે આટલું કહી છાંયાએ નજર વૈશાલી તરફ ફેરવી અને કહ્યું,
“તું મારી સાથે અંદર આવ, આપણે અંદર બેસીએ.”
પ્રફુલ્લે ધીમા ડગલે બહારની તરફ પ્રયાણ કર્યું અને વૈશાલીએ ધીમા ડગલે છાયાની પાછળ અંદરના રૂમ તરફ પ્રયાણ કર્યું.
અંદરના રૂમ તરફ ડગલા આગળ માંડતી વખતે છાયા અને વૈશાલી બન્નેના મનમાં એકસરખો વિચાર રમી રહ્યો હતો કે, ‘શિકાર સામે ચાલીને મારી ઝાડમાં સપડાઈ રહ્યો છે.’ પણ બંન્નેમાંથી કોઈને પણ ખબર નહોતી કે કોણ શિકારી છે? અને કોણ ખરેખરો શિકાર?
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)