Jamnagar, તા.18
નારણપુરના વેપારી પાસેથી ધાણા મેળવીને રૂપિયા 6.5 લાખનું ચીટીંગ કરનાર બે સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગર તાલુકાના નારણપુર વિસ્તારમાં રહેતા સુભાષભાઈ લખુભાઈ ચાંદ્રા નામના 54 વર્ષના વેપારીને વિશ્વાસમાં લઈને પોરબંદર તાલુકાના ભેટકડી ગામના રાજુ મુરૂભાઈ ઓડેદરા અને ભાણવડ તાલુકાના ગુંદા ગામના હિતેશ ભીમાભાઈ રાણાવાયા નામના શખ્સોએ રૂપિયા 6.5 લાખની કિંમતના 525 મણ ધાણા લીધા હતા.
ધાણા ભરેલી આ ગાડી જામનગરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચતી કરવાનું કહી, અને આ ધાણા હાપા માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડ્યા ન હતા. આ રીતે આરોપીઓ દ્વારા ફરિયાદી સુભાષભાઈ ચાંદ્રાના પૈસા ઓળવી જવા માટેનું સુનિયોજિત કાવતરું રચીને તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યાનું ખુલવા પામ્યું છે.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે સુભાષભાઈ ચાંદ્રાની ફરિયાદ પરથી આરોપી રાજુ ઓડેદરા અને હિતેશ રાણાવાયા સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાત્રાણાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા જીગ્નેશભાઈ માવજીભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી, અને આ જ ગામના સમીર રફીક બ્લોચ અને શકીલ રફીક બ્લોચ નામના બે શખ્સોએ લાકડી વડે બેફામ માર મારી, ઇજાઓ કરવામાં આવતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં બંને શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી દ્વારા ફરિયાદી જીગ્નેશભાઈના ભાઈને હેરાન પરેશાન કરવામાં આવતો હોવાથી જીગ્નેશભાઈ આરોપીઓને સમજાવવા છતાં ઉપરોક્ત બનાવો બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
દ્વારકામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
દ્વારકાના કીર્તિ સ્તંભ પાસેથી પોલીસે કિશન હેમતભાઈ પરમાણી અને ભરત નારણભાઈ વિઠલાણી નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રૂ. 4,760 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકામાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા વેજાભા હઠીયાભા સુમણીયા નામના શખ્સના મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી હતી. જેમાં દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, ગેસના ચૂલા ગેસ સિલિન્ડર, સહિત રૂ. 18,400 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જો કે આરોપી દરમિયાન વેજાભા સુમણીયા પોલીસને હાથ લાગ્યો ન હતો. આ અંગે દ્વારકા પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.