French,તા.27
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વિયેતનામ મુલાકાત દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં પ્લેનમાંથી ઉતરતી વખતે તેમના પત્ની તેમના મોઢા પર લાફો મારતાં જોવા મળ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. તેમજ તેમની ટીખળ પણ થઈ રહી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનેથી આ મુદ્દે સ્પષ્ટતા આપવાની જરૂર પડી હતી.
ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બનતાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, આ રાષ્ટ્રપતિ અને તેમના પત્નીની પ્રવાસ શરૂ થાય તે પહેલાંની હળવાશની પળો હતી. બંને જણ એકબીજા સાથે મજાક-મસ્તી કરી રહ્યા હતાં. તે બંનેની અંગત પળો હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં યુઝર્સ દ્વારા વિવિધ અટકળો સેવાઈ રહી હતી. ઘણા મીડિયાએ પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાની અટકળો વહેતી કરી હતી. ઘણા યુઝર્સે દેશના રાષ્ટ્રપતિને તેમના પત્ની મારી રહ્યા હોવાના આક્ષેપો કરતાં ટીખળ કરી હતી. મેક્રોને હનોઈથી પોતાની દક્ષિણ-પૂર્વ એશિયાની સાપ્તાહિક ટૂર શરૂ કરી હતી. હવે તે ઈન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાત લેશે.
રવિવારે સાંજે મેક્રોન પોતાની દક્ષિણ-પૂર્વ એશિયા ટૂરના ભાગરૂપે હનોઈમાં લેન્ડિંગ કરી રહ્યા હતાં. ત્યારે એરક્રાફ્ટનો દરવાજો જેવો ખૂલ્યો એવો જ મેક્રોનના પત્નીનો હાથ મેક્રોનને લાફો મારતા જોવા મળ્યા હતાં. દરવાજો અચાનક ખુલી જતાં મેક્રોન અસ્વસ્થ થઈ જાય છે. બાદમાં પત્ની સાથે ફ્લાઈટમાંથી નીચે ઉતરે છે. કેમેરામાં મેક્રોના પત્નીનો હાથ જોવા મળે છે. કેમેરામાં કેદ થયેલી આ શોર્ટ મોમેન્ટ ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની હતી. ઉલ્લેખનીય છે, બંને જણ નીચે ઉતરી રહ્યા હતાં, ત્યારે મેક્રોને પત્નીને હાથ આપ્યો હતો. પરંતુ તેની અવગણના કરતાં પત્ની જાતે જ ઉતરી રહ્યા હતાં.