ગ્રાહક હિતેશ ખારવાએ પેકેટ ખોલતા જ તેમાંથી ફૂગ જોવા મળી હતી ત્યાર બાદ ગ્રાહકે વડોદરા મહાનગર પાલિકામાં રજૂઆત કરી
Vadodaraતા.૨૦
ગુજરાતમાં ખાવાની ચીજ વસ્તુઓમાંથી મૃત જીવ જંતુઓ મળી આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે વડોદરામાં એક અલગ જ ઘટના પ્રકાશમાં આવી છે. વડાદરાના નવાપુરા ખારવાવાડમાં રહેતા ગ્રાહકને અમુલ દહી ખરીદ્યા બાદ કડવો અનુભવ થયો હતો. અમુલના દહીંમાંથી ફૂગ નીકળી હતી. ગ્રાહકે દહીનું પેકેટ ખોલતા જ ફૂગ જોવા મળી હતી.વડોદરામાં એક કરિયાણાની દુકાનમાંથી અમુલનું દહી ખરીદનાર ગ્રાહક હિતેશ ખારવાએ પેકેટ ખોલતા જ તેમાંથી ફૂગ જોવા મળી હતી. ત્યાર બાદ ગ્રાહકે વડોદરા મહાનગર પાલિકામાં રજૂઆત કરી હતી. ગ્રાહકે કહ્યું હતું કે, આજે બપોરે ઘરે જમવા આવ્યો હતો અને ઘર પાસેના એક કરિયાણા સ્ટોરમાંથી અમુલનું દહી ખરીદ્યુ હતું. દહીનું પેકેટ ખોલતા જ તેમાં ફૂગ જોવા મળી હતી.ગ્રાહક હિતેશ ખારવાએ કહ્યું હતું કે, આટલી મોટી સહકારી કંપનીમાં આ પ્રકારની બાબત સામે આવે તે ખોટું છે. દરેક લોકોએ પહેલા પેકેટ ખોલીને જોવું જોઈએ અને ત્યાર બાદ વસ્તુ ખાવી જોઈએ. ગ્રાહકે આ અંગે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં પણ ફરિયાદ કરી છે. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસમાં આ પ્રકારની બાબતો સામે આવી છે. આજે જામનગરમાં કેરીના રસમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના પણ સામે આવી છે.