ખેડા જીલ્લામાં આવેલ ગળતેશ્વર ગાલવઋષિની તપોભૂમિ છે.
પ્રતિષ્ઠાનપુર નગરમાં રહેતા નહુષ કુળમાં જન્મેલા ચંદ્રવંશના પાંચમા રાજા યયાતિની પુત્રી માધવી ની કથાનું વર્ણન મહાભારતના ઉદ્યોગપર્વના અધ્યાય-૧૦૬ થી ૧૨૩ સુધી આવે છે.માધવી એક રાજુમારી હતી,તેમના પિતા યયાતિએ તેણીને ઋષિ ગાલવને સોંપી દીધી હતી,આ ગાલવઋષિની વિગતવાર કથા જોઇએ.
તપસ્વી ગાલવ મુનિ વિશ્વામિત્રના ખૂબ જ પ્રિય શિષ્ય હતા.જ્યારે તેમનો વિદ્યાભ્યાસ પૂરો થયો ત્યારે તેમની સેવા-શુશ્રૂષા અને ભક્તિથી સંતુષ્ઠ થઇને વિશ્વામિત્રે કહ્યું કે હવે હું તમોને આજ્ઞા આપું છું કે તમારી જ્યાં ઇચ્છા હોય ત્યાં જાઓ અને ગૃહસ્થાશ્રમમાં પગલાં પાડો.ગુરૂનો આવો આદેશ મળતાં ગાલવ મુનિ પ્રસન્ન થઇને કહે છે કે ગુરૂજી હું આપને ગુરૂદક્ષિણામાં શું આપું? દક્ષિણાયુક્ત કર્મ જ સફળ થાય છે, દક્ષિણા આપનાર પુરૂષ જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે,દક્ષિણા આપનાર મનુષ્ય જ સ્વર્ગમાં યજ્ઞનું ફળ મેળવે છે.મેં નક્કી કર્યું છે કે મારી શક્તિ પ્રમાણે થોડીક ગુરૂ-દક્ષિણા આપીને જ આશ્રમ છોડીને જઇશ પરંતુ ગાલવ મુનિની હાલત તેમના ગુરૂ વિશ્વામિત્રથી છુપી ન હતી તેથી ગાલવની ઘણી વિનંતીઓ છતાં ફક્ત ગાલવ મુનિને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશની મંજૂરી તો આપી પરંતુ કોઈપણ દક્ષિણા લેવાની ના પડી પરંતુ ગાલવમુનિ પોતાના નિશ્ચય પર અડગ હતા તેથી તેમણે ગુરૂને દક્ષિણા આપ્યા વિના આશ્રમમાંથી નહી જવાની હઠ પકડી.વિશ્વામિત્રે ઘણુ સમજાવ્યા છતાં પણ તે તેમના નિશ્ચયમાં અડગ રહ્યા અને કહ્યું કે ગુરૂદેવ ! જ્યાં સુધી હું તમોને દક્ષિણા ન આપું ત્યાં સુધી મારી વિદ્યા ફળશે નહીં.
ગાલવમુનિની આવી વાતોથી વિશ્વામિત્ર ઉશ્કેરાઈ ગયા,નારાજ થયા,તેમની ધીરજ ખૂટી ગઈ અને ગુસ્સામાં તેમણે ગાલવ તરફ ઈશારો કરતાં કહ્યું કે હે ઉદ્ધત ગાલવ ! વિશ્વામિત્ર જેવા ગુરૂને સંતુષ્ટ કરવા જ હોય તો તારે ચંદ્ર જેવા સફેદ અને જેનો એક કાન શ્યામ હોય તેવા આઠસો ઘોડા આપ.ગાલવ માટે આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ હતી પરંતુ વિશ્વામિત્રની આ ગર્જના સ્વાભિમાની અને નિશ્ચયી ગાલવને ડગમગાવી શકી નહિ,તેમણે પોતાના ગુરૂના ગુસ્સાને શાંત કરવા અને આ દુર્લભ દક્ષિણા એકત્રિત કરવા માટે કેટલોક સમય આપવા વિનંતી કરી જે વિશ્વામિત્રે સ્વીકારી.
ગુરૂદક્ષિણા પ્રાપ્ત કરવી અતિકઠણ હોવાથી તેની ચિંતા અને શોકમાં ગાલવમુનિ વિલાપ કરે છે કે હું પાપી,કૃતઘ્ન,કૃપણ અને મિથ્યાવાદી છું જેને ગુરૂકૃપાથી જ્ઞાન પ્રાપ્તિ થઇ અને મેં ગુરૂદક્ષિણા આપવાની પ્રતિજ્ઞા કરી પરંતુ તે પુરી શકતો નથી.તેજસ્વી ગાલવને પક્ષીરાજ ગરૂડ સાથે ગાઢ મિત્રતા હતી. ગાલવમુનિને વિશ્વામિત્રના ગુસ્સાથી બચાવવા ગરૂડજી દર્શન આપે છે અને કહે છે કે તમે મારા સુહ્રદ મિત્ર છો અને પરમ મિત્રનું કર્તવ્ય છે કે મિત્ર પાસે ધન-વૈભવ ના હોય કે સાધન સંપન્ન હોય ત્યારે પણ સુખ-દુખ કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેને સાથ આપે.
હે બ્રાહ્મણ ! મારો સૌથી મોટો વૈભવ મારા ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે.મેં પહેલાંથી જ તમારા માટે તેમને નિવેદન કરેલ છે અને તેમને મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી મારો મનોરથ પૂર્ણ કરેલ છે અને મને આપની સહાયતા કરવા માટે આજ્ઞા કરેલ છે એટલે આવો આપણે બંન્ને પૃથ્વી અંતર્ગત તથા સમુદ્રના સામે કિનારે જઇએ.ગાલવમુનિ અને ગરૂડજી બંન્ને ચંદ્રવંશમાં જન્મેલા,મહારાજ નહુષના પૂત્ર સત્ય પરાક્રમી વીર રાજર્ષિ યયાતિની પાસે આવે છે.યયાતિ આતિથ્ય માટે જાણીતા હતા.જ્યારે ગરૂડ સાથે ઋષિકુમાર ગાલવ મુનિના આગમનની જાણ કરવામાં આવે છે ત્યારે તે પોતે આગળ આવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. ત્યારબાદ ગરૂડજી તેમના આવવાનું પ્રયોજનનું વર્ણન કરતાં કહે છે કે રાજન ! આ તપોનિધિ ગાલવમુનિ મારા એક અભિન્ન મિત્ર છે.તેઓ દશ હજાર વર્ષ સુધી મહર્ષિ વિશ્વામિત્રના શિષ્ય રહ્યા છે.વિશ્વામિત્રજીએ તેમની સેવાના બદલે ગાલવમુનિ ઉપર ઉપકાર કરવાની ભાવનાથી તેમને ઘેર જવાની આજ્ઞા આપી ત્યારે ગાલવમુનિએ પુછ્યું કે ભગવન ! હું આપને ગુરૂદક્ષિણામાં શું આપું? વિશ્વામિત્રજીને ખબર હતી કે ગાલવ પાસે ધનનો અભાવ છે,ગાલવના વારંવાર આગ્રહ કરવાથી વિશ્વામિત્રજીને ક્રોધ આવે છે અને કહે છે કે તમારે ગુરૂદક્ષિણા આપવી હોય તો ચંદ્ર જેવા સફેદ અને જેનો એક કાન શ્યામ હોય તેવા આઠસો ઘોડા આપ.ગાલવમુનિ આપવામાં અસમર્થ છે એટલા માટે આપના શરણમાં આવ્યા છે.તમારી કૃપા વિના ગાલવમુનિને આ ધરતી પર આવા આઠસો ઘોડા મળી શકે તેમ નથી.હું આપને પ્રાર્થના કરૂં છું કે તમે આ મુશ્કેલ સમયમાં મારા મિત્ર ગાલવમુનિને મદદ કરો.મારો મિત્ર ગાલવમુનિ તપની મૂર્તિ છે,તેમનું બ્રહ્મતેજ અદ્વિતીય છે,જો તમે તેમને મદદ કરશો તો તેઓ અવિશ્વસનીય અને અપાર તપસ્યાના પરિણામથી તેઓ તમને ક્યારેક આશીર્વાદ આપશે,તમારા માટે આ એક સુવર્ણ તક છે.
ગરૂડના આવા વચનો સાંભળીને રાજા યયાતિએ કહ્યું કે આપ જેવો સમજો છો તેવો ધન-સંપન્ન હવે હું રહ્યો નથી આમ હોવા છતાં આપને હું નિરાશ નહી કરૂં. હું તમોને એવી વસ્તુ આપીશ કે જેનાથી તમારો મનોરથ પુરો થાય.આ મારી ત્રૈલોક્ય-સુંદરી પૂત્રી માધવી દૈવી ગુણોથો શોભિત છે,ઇશ્વરીય વરદાન મુજબ તેના દ્વારા આપણા દેશના ચાર મહાન રાજવંશોના કૂળોની સ્થાપના કરનારી છે.તેની ક્રાંતિ દેવકન્યા સમાન છે,તેના રૂપસૌદર્યથી આકૃષ્ટ થઇને દેવતા-મનુષ્ય અને અસુર તમામ તેને પામવા અભિલાષા રાખે છે એટલે આપ મારી પૂત્રીને ગ્રહણ કરો.આવી સર્વગુણ સંપન્ન સુંદરી માટે રાજાઓ પોતાનું રાજ્ય પણ આપી શકે તો પછી આઠસો શ્યામકર્ણ ઘોડાની તો શું વાત છે ! પરંતુ હું એ પણ પ્રાર્થના કરૂં છું કે આઠસો ઘોડાની પ્રાપ્તિ પછી તમે મારી પુત્રી મને પાછી આપજો.
રાજા યયાતિની પુત્રી માધવી સાથે ગરૂડજી અને ગાલવમુનિ જાય છે ત્યારે રસ્તામાં વિચાર કરે છે કે કયા રાજા પાસે જઇએ તો આપણો મનોરથ પુરો થાય? મનોમન વિચાર કરીને સર્વ પ્રથમ તેઓ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશી મહાપરાક્રમી રાજા હર્યશ્વ પાસે જાય છે.જેમની પાસે ચર્તુરંગી સેના હતી.ધનધાન્ય સંપન્ન હતા.તેમનું મન ભોગોથી વિરક્ત હતું.નગરવાસીઓ તેમને ઘણા ચાહતા હતા.જેઓ ઉદારતા, બહાદુરી,દુઃખ અને સમૃદ્ધિ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી પસંદ કરેલા ઘોડાઓ રાખવા માટે પણ પ્રખ્યાત હતા.અયોધ્યાપતિએ તેમના આવવાનું કારણ પૂછ્યું તો ગાલવમુનિએ કહ્યું કે રાજેન્દ્ર ! આ યયાતિ કન્યા માધવી પોતાના સંતાનો દ્વારા આપના વંશની વૃદ્ધિ કરનાર છે.જ્યારે ઋષિકુમાર ગાલવે રાજા હર્યશ્વને તેમના કુટુંબ- નમ્રતા અને ગુણો વિશે જણાવ્યું,જ્યારે માધવીના કુટુંબ,નમ્રતા અને ગુણોની ચર્ચા કરી ત્યારે રાજા હર્યશ્વની ખુશીનો કોઈ પાર ન રહ્યો પરંતુ વિડંબના એ હતી કે તેની પાસે ગાલવમુનિને જોઇતા હતા તેવા ફક્ત બસો જ શ્યામકર્ણ ઘોડા હતા.રાજા હર્યશ્વએ પોતાની અસમર્થતા વ્યક્ત કરતાં ગાલવમુનિ અને ગરૂડને કહ્યું કે માધવીના બદલે આવા શ્યામકર્ણ ઘોડાઓ મેળવવા માટે તમારે મારા જેવા અન્ય રાજાઓ પાસે જવું પડશે.હું માધવીને મારા બસો ઘોડા આપીને એક જ પુત્રની પ્રાપ્તિ પછી પરત કરી દઇશ.
અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગાલવમુનિ અને ગરૂડજી રાજા હર્યશ્વની વાત સાથે સંમત થયા અને માધવીને ચોક્કસ સમયગાળા માટે અયોધ્યામાં છોડીને થોડા દિવસો માટે અન્યત્ર ચાલ્યા ગયા.સમય જતાં માધવીએ રાજા હર્યશ્વના સંયોગથી વસુમના નામના પુત્રને જન્મ આપ્યો,જે પાછળથી અયોધ્યાના વંશમાં ખૂબ પ્રખ્યાત થયા.માધવીએ કહ્યું કે મને એક વેદવાદી મહાત્માએ વરદાન આપ્યું કે તૂં પ્રત્યેક પ્રસવ પછી તારૂં કૌમાર્ય પાછું મેળવીશ,તૂં અક્ષત યોનિ બની જશે એટલે આપ મને અલગ-અલગ રાજઓને સોંપીને દરેક પાસેથી બસો-બસો ઘોડાઓ લેશો તો તમોને આઠસો ઘોડા મળશે અને મારા દ્વારા ચાર પૂત્રો પણ થશે. થોડા સમય પછી ગાલવમુનિ અને ગરૂડજી અયોધ્યા પાછા આવ્યા અને માધવીના બદલામાં મળેલા બસો ઘોડાઓને થોડા દિવસો માટે અયોધ્યામાં છોડીને ફરીથી માધવી સાથે આવા અન્ય ઘોડાઓની શોધમાં નીકળ્યા.
અયોધ્યાથી ગાલવમુનિ અને ગરૂડજી કાશીરાજ દિવોદાસના દરબારમાં આવે છે.જે ધર્માત્મા-સંયમી અને સત્ય-પરાયણ રાજા હતા.જેમની કીર્તિ-કૌમુદી તે દિવસોમાં આખી પૃથ્વી પર ફેલાઈ રહી હતી. ગાલવ મુનિ અને ગરૂડજીના પ્રસ્તાવ પર તે પણ પોતાના બસો શ્યામકર્ણ ઘોડા આપીને માધવી જેવી સુંદર અને દિવ્ય પ્રભાવિત સ્ત્રી પાસેથી પુત્ર મેળવવાનો લોભથી સ્વીકાર કરે છે.નિયત સમયે કાશીરાજ દિવોદાસને માધવીના સંયોગથી પ્રતર્દન નામનો પુત્ર પ્રાપ્ત થાય છે જે પાછળથી કાશીના રાજ્યને પુનર્જીવિત કરનાર જ નહીં પરંતુ પરંપરાગત દુશ્મનોનો નાશ કરનાર બન્યો.આ બીજા પુત્રના જન્મ પછી માધવીએ ફરીથી ઋષિ કુમાર ગાલવમુનિ સાથે બીજા રાજાની રાજધાની તરફ પ્રયાણ કર્યું.
ગાલવમુનિ,યશસ્વિની રાજકન્યા માધવી અને પક્ષીરાજ ગરૂડ સાથે ભોજનગરના રાજા ઉશિનર પાસે જઇને કહે છે હે નરેશ ! આ કન્યા આપના માટે પૃથ્વી ઉપર શાસન કરી શકે તેવા બે પૂત્રો ઉત્પન્ન કરશે જે સૂર્ય અને ચંદ્ર સમાન તેજસ્વી હશે,આ કન્યાના શુલ્કના રૂપમાં તમારે અમોને ચારસો ચંદ્ર જેવા સફેદ અને જેનો એક કાન શ્યામ હોય તેવા ઘોડા આપવાના રહેશે. હે રાજવી આપ નિઃસંતાન છો એટલે આ રાજકુમારીથી બે પૂત્ર પ્રાપ્ત કરો અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરો. ત્યારે રાજા ઉશિનર કહે છે કે આપ કહો છો તેવા મારી પાસે ફક્ત બસો જ ઘોડાઓ છે એટલે હું રાજકુમારી માધવીથી ફક્ત એક જ પૂત્ર પ્રાપ્ત કરી તમોને પરત કરી દઇશ.રાજા ઉશિનરે ત્રૈલોક્ય-સુંદરી માધવીથી એક પુત્ર મળ્યો અને તે દુર્લભ ઘોડાઓ ગાલવમુનિને સોંપ્યા.આ અદભૂત પુત્ર નૃપશ્રેષ્ઠ મહારાજા શિબિના નામથી વિખ્યાત થયો,જેની દાનની અમરકથાઓ હજુ પણ પુરાણોની શોભા બની છે.શિબિના જન્મ પછી પણ માધવીનું યૌવન અખંડ,અક્ષત રહ્યું.
ગાલવમુનિએ ગરૂડજીને કહ્યું કે હવે ગુરૂદક્ષિણા માટે ફક્ત બસો ઘોડા શોધવાના બાકી છે ત્યારે ગરૂડજીએ કહ્યું કે હવે બાકીના ઘોડાઓને મેળવવાનો પુરૂષાર્થ વ્યર્થ છે કારણ કે તારો મનોરથ પુરો થવાનો નથી કારણ કે પૃથ્વી ઉપર ફક્ત છસો જ શ્યામકર્ણ ઘોડા છે તે સિવાય બીજે ક્યાંય એકપણ બાકી નથી.હવે ચિંતાની વાત એ હતી કે ગાલવમુનિએ મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી મેળવેલ સમયગાળો પુરો થવા આવ્યો હતો અને ગરૂડજીને ખબર પડી ગઈ હતી કે હવે ગાલવમુનિ પાસે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રય સિવાય બીજો કોઈ રસ્તો નહોતો તેથી ગરૂડજીની સલાહ અનુસાર છસો ઘોડાઓ અને બાકીના બસો ઘોડાઓના બદલે ત્રૈલોક્ય-સુંદરી માધવી મહર્ષિ વિશ્વામિત્રને આપવા તેઓ મહર્ષિ વિશ્વામિત્ર પાસે જાય છે અને બાકીના બેસો ઘોડાઓ મેળવવામાં અસમર્થતા દર્શાવી નમ્ર સ્વરે કહ્યું કે ગુરૂજી ! તમારી અનુમતિથી હું આ પૃથ્વી પર જોવા મળતા છસો શ્યામકર્ણ ઘોડા લઈને આવ્યો છું,જેનો આપ કૃપા કરીને સ્વીકાર કરો.હવે આ ધરતી પર એવો એકપણ ઘોડો બચ્યો નથી તેથી હું તમને વિનંતી કરૂં છું કે બાકીના બસો ઘોડાઓના બદલે દિવ્યાંગના માધવીનો સ્વીકાર કરો.
મહર્ષિ વિશ્વામિત્રે પોતાના પ્રિય શિષ્યની વિનંતી સ્વીકારી અને માધવીના સંયોગથી અન્ય રાજાઓની જેમ તેમને પણ એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જે પાછળથી અષ્ટકના નામથી પ્રખ્યાત થયો.જ્યારે તે મોટો થયો ત્યારે અષ્ટકે વિશ્વામિત્રની અનુમતિથી તેમની રાજધાનીની તમામ ફરજો સંભાળી લીધી અને માધવી પાસેથી ફી તરીકે મળેલા છસો દુર્લભ શ્યામકર્ણ ઘોડાઓનો તે માલિક બન્યો.આ ચાર પુત્રોના જન્મ પછી માધવીએ ગાલવમુનિને ઋણમુક્ત કર્યા પછી તેણીના પિતા રાજા યયાતિને પરત કરવામાં આવી કારણ કે તેના પિતાએ ગાલવમુનિને માત્ર આઠસો શ્યામકર્ણ ઘોડા પેટે આપી હતી.જ્યારે માધવી તેના પિતાના ઘરે પરત આવી ત્યારે તે પૂર્વવત્ થઈને પાછી આવી હતી.ચાર પુત્રોના જન્મ પછી પણ તેમના શાશ્વત સ્વરૂપ અને યુવાનીમાં કોઈ ફેરફાર થયો ન હતો.
ત્યારબાદ રાજા યયાતિ પૂત્રી માધવીના સ્વંયવરનો વિચાર કરીને ગંગા-યમુનાના સંગમ ઉપર બનેલ પોતાના આશ્રમમાં રહેવા લાગ્યા પરંતુ માધવીએ બીજો પતિ પસંદ કરવાની અનિચ્છા વ્યક્ત કરતાં તપોવનનો માર્ગ અપનાવ્યો.તે ઉપવાસપૂર્વક વિવિધ પ્રકારની દિક્ષાઓ અને નિયમોનું પાલન કરતાં કરતાં પોતાના મનને રાગ-દ્વેષ વગેરે વિકારોથી રહિત કરી તપ કરવા લાગી.તેમના પિતા યયાતિ પણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા.તેમના પૂત્રોમાં બે પૂત્ર પુરૂ અને યદુ થયા.(મહાભારતમાંથી સાભાર..)
ગુજરાત રાજ્યના ખેડા જીલ્લાના ડાકોરથી પંદર કિમી દૂર સરનાલ ગામમાં મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ પ્રાચિન શિવ મંદિર ગળતી નદીના તથા ગાલવ ઋષિના નામ ઉપરથી ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.આ જગ્યા ગાલવઋષિની તપોભૂમિ મનાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)