Gandhinagar,તા.25
ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં મકાનમાં દારૃ બિયરનું વેચાણ થતું હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસ દરોડો પાડતા માતા પુત્ર ફરાર થઈ ગયા હતા પરંતુ ઘરના ભોયરામાં સંતળાયેલો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના મોટા બુટલેગરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે પોલીસ પણ દારૃ પકડવા દોડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, કોલવડા ગામમાં મહોડીયા વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર છુટક દારૃ બિયર મંગાવીને વેપાર કરી રહ્યા છે. જેથી પોલીસ અહીં પહોંચી હતી પરંતુ કિશોરજી ઉર્ફે બાબુજી ઠાકોર અને તેની માતા મંજુલાબેન ઠાકોર હાજર મળી આવ્યા ન હતા. જ્યારે મકાન ખુલ્લી હાલતમાં જોવા મળતા અંદર પ્રવેશી મકાનના રૃમમાં રહેલો પલંગ હટાવતા નીચે ભોયરામાં જવાનો રસ્તો જોવા મળ્યો હતો. જેથી ખૂણામાં રહેલી એક ટાઇલ્સ હટાવતા નીચે ભોયરુ હોવાનું જણાયું હતું. જેમાં ભોયરામાં વિદેશી દારૃની પેટીઓ પડેલી જોવા મળી હતી. પોલીસે અંદર રહેલી પેટીઓ બહાર કાઢતા બિયરના ૧૦૭૬ ટીન તેમજ ચાર બોટલ વિદેશી દારૃ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે ૧.૬૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા માતા પુત્રની શોધખોળ શરૃ કરી છે.