Rajkot,તા.૩
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં જાણે પલીતો ચંપાયો હોય તેવો માહોલ છે. પાટીદારોમાં ડખા સામે આવી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે ગુનો દાખલ કરાયો છે. બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાનો આરોપ તેમના પર મૂકાયો છે. રાજુ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ. ગોંડલના રાજુ સખીયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજીત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
તાજેતરમાં ખોડલધામ ખાતે સ્નેહમીલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેમાન તરીકે ગણેશ ગોંડલ ઉર્ફે જયોતીરાદિત્યસિંહ જાડેજાને આમંત્રિત કરાયા હતા. જેના બાદ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીમાને ધમકી આપી હતી કે, તમે ગણેશ ગોંડલને કાર્યક્રમમાં કેમ બોલાવ્યા. ત્યારે બંનેની ચર્ચાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી, જેમાં રાજુ સખીયા ધમકી આપી રહ્યાં છે. આ બાદ આ મામલે જેતપુરમાં રહેતા વેપારી ઘનશ્યામભાઈ સોરઠીયાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં રાજુ સખીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં ભડકાવ, આપત્તિજનક, તથા લેઉવાપટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણી જનક ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. બે સમાજ વચ્ચે વેમનસ્ય ફેલાઇ તેવું કૃત્ય કરવાને લઈને ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૯૨,૧૯૬(એ) ૩૫૩ મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે.
રાજુ સખીએ રાજુભાઈ સોજીમાને કહ્યું હતું કે, ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોડલને કેમ બોલાવ્યા, લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો. હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોડલ કે ક્ષત્રીય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો પોતે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઈએ જરૂર પડયે હિંસા પણ કરીશુ.
સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઈ સંજય પાદરીયા વચ્ચેના વિવાદનો મામલે તપાસનીશ અધિકારી બી.જે.ચૌધરી સમક્ષ પીઆઇ સંજય પાદરીયા હાજર થયા હતા. જેમાં સંજય પાદરીયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પી.આઈ સંજય પાદરિયાને નોટિસ પાઠવી મુક્ત કરાયા છે. પોલીસ દ્વારા અગાઉથી જ કોર્ટમાં હત્યાના પ્રયાસની કલમ હટાવવા રિપોર્ટ કરવામાં આવ્યો છે. હત્યાના પ્રયાસની કલમ હટાવવા સંદર્ભે કોર્ટે પોલીસને સમરી ભરવા કહ્યું હતું. આગામી સમયમાં પોલીસ દ્વારા હત્યાના પ્રયાસની કલમ હટાવવા સંદર્ભે સમરી ભરવામાં આવશે અથવા તો ચાર્જ ફ્રેમ સમયે હત્યાના પ્રયાસની કલમ હટાવવામાં આવશે. તો બીજી તરફ પી.આઈ સંજય પાદરીયા સાત દિવસ બાદ પોતાના ઘરે પહોંચતા સમર્થકો અને પાડોશીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું ષ્પમાલિકા તેમજ ફટાકડા ફોડીને, મોં મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.