Varanasi, તા.17
પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન બાદ હજારો-લાખો શ્રધ્ધાળુઓ અયોધ્યા-વારાણસી જેવા ધાર્મિક સ્થાનોએ પહોંચતા હોવાના કારણે ત્યાં ભારે ઘસારો છે. ત્યારે વારાણસી તંત્ર દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણો હવે મહાકૂંભનાં સમાપન અર્થાત 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે.
વારાણસીમાં ગંગાઘાટ પરની આરતી પર 26 ફેબ્રુઆરી સુધી રોક લગાવવામાં આવી છે ધો.8 સુધીની સ્કુલ કલાસ પણ બંધ રાખવા કહેવાયું છે.સ્કુલો પણ માત્ર ઓન લાઈન ધોરણે ચલાવવાના આદેશ કરવામાં આવ્યા છે.
યાત્રીકોનાં ઘસારામાં ટ્રાફીક વ્યવસ્થા જાળવવાના નિયંત્રણો-ડાઈવર્ઝનનો કડક અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને રેકોર્ડબ્રેક સંખ્યામાં ભાવિકો ઉમટતા રહ્યા છે. એક જ દિવસમાં આઠ લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા. વિક એન્ડમાં ઘસારો વધુ હતો.
ઉતરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂદ મહાકુંભ તથા અન્ય ધાર્મિક સ્થળોએ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. તેઓએ હેલીકોપ્ટર સર્વે કર્યો હતો. પૂર્વયોજીત કાળભૈરવ મંદિરે જવાનો કાર્યક્રમ હતો તે છેલ્લી ઘડીએ બદલાયો હતો અને કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા.
માર્ગો પર ચિકકાર ટ્રાફીક હતો.વધુ સમસ્યા ન થાય તે માટે ક્રુઝ મારફત મંદિરે પહોંચ્યા હતા.કાશી તામીલ સંગમ કાર્યક્રમનાં ઉદઘાટન માટે ક્રુઝ મારફત નમો ઘાટ પહોંચ્યા હતા.
વારાણસીમાં શ્રધ્ધાળુઓના ઘસારાને ધ્યાને રાખીને ભીડથી માંડીને ટ્રાફીક-વાહન સંચાલન સુધીની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તેની કાળજી રાખવામાં આવી રહી છે.
ભાવિકો મહાકૂંભ-વારાણસી તથા અયોધ્યા તેમ ત્રણ ધાર્મિક સ્થાનો પણ યાત્રીમાં આવી રહ્યા છે. ગંગા ઘાટે આરતી પર રોક ઉપરાંત સાંજે 6 વાગ્યા બાદ નદી ગંગામાં બોટ ઓપરેશનો પર પણ નિયંત્રણ રાખવામાં આવ્યા છે.