રેખા ક્યા છે પૂછી યુવકનું અપહરણ કરી અલગ અલગ સ્થળો પર લઇ જઈ માર માર્યો
Jasdan,તા.15
જસદણમાં રહેતા રત્ન કલાકારને પૂર્વ પ્રેમિકાના પતિ સહીતની બેલડીએ માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. મારી પત્ની રેખા ક્યા છે પૂછી રત્ન કલાકારનું અપહરણ કરી જઈ બેલડીએ સાવરણી અને નળી વડે માર મારતા જસદણ પોલીસમાં ગુનો નોંધાયો છે.
બાબરા તાલુકાના ખાનપર ગામના વતની અને હાલ જસદણના ગંગાભુવન ખાતે રહેતા રત્ન કલાકાર દીનેશભાઈ ચોથાભાઈ મકવાણા(ઉ.વ. ૩૪)એ જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા હું ખાનપર ગામે રહેતો ત્યારે ખાનપર ગામે રહેતા રહેતી કુટુંબી હરેશભાઇ સોમાભાઇ મકવાણાની પત્ની રેખા સાથે મારે પ્રેમ સંબંધ હતો. જેથી હરેશનું ખુન થયેલ ત્યારે મારૂ તથા આ રેખાનું નામ આવેલ હતુ. જેથી અમો તથા રેખા બન્ને જેલમાં ગયેલ હતા અને બાદમાં જામીન ઉપર છુટતા હું જસદણ રહેવા આવેલ હતો અને રેખાના બીજા લગ્ન તેના માવતરે ભડલી ગામે મનીષભાઈ બારૈયા સાથે કરેલ હતા.
ગત તા. ૧૪/૦૪/૨૦૨૫ ના સવારે આઠ વાગ્યે હુ કારખાને ગયેલ હતો. ત્યારે સવારે સાડા અગીયારેક વાગ્યે રેખાનો ફોન આવેલ હતો કે હુ બાબરા પોલીસ સ્ટેશન જાવ છુ જેથી અમોએ કહેલ કે તારે જયા જાવુ હોઇ ત્યા જા મારી પાસે ના આવતી તેમ વાત થયેલ હતી. બાદમાં બપોરે આશરે બે વાગ્યે હું કારખાને હતો ત્યારે મને એક મોબાઈલ નંબરમાથી ફોન આવેલ અને મને બહાર બોલાવેલ હતો. જેથી બહાર ગયેલ તો રેખાનો ઘરવાળો મનીષ ઉર્ફે મુન્નો બારૈયા અને અજાણ્યો માણસ હાજર હતો. બન્ને જણાએ મને કહેલ કે રેખા કયા છે જેથી મે કહેલ કે ખબર નથી. જેથી બંનેએ કહેલ કે તારૂ ઘર બતાવ, અમારે ચેક કરવું છે. જેથી હું તેમના બુલેટ પાછળ બેસી ગયેલ હતો અને મારા ઘર ખાતે લઇ ગયેલ હતો. જ્યાં ઘરના બધા રૂમ ચેક કરતા રેખા મળી આવી ન હતી. બાદમાં બંનેએ ઉશ્કેરાઈ ઘરમાં ઢીકાપાટુનો માર મારેલ હતો. બાદમાં મને ઘરમાથી ઢસડીને બહાર ખેંચી ગયા હતા અને બુલેટ પર બેસાડી ખોડિયાર મંદિર નજીક લઇ ગયેલ હતા અને ત્યાં પડેલ નળી વડે માર માર્યો હતો.
બાદમાં બન્ને કહેલ કે, રેખા ક્યા છે સાચું કહી દે નહીંતર જાનથી મારી નાખીશું. ત્યારબાદ અજાણ્યા શખ્સે બુલેટમાં બેસી જવાનું કહેતા ફરીવાર હું બુલેટમાં બેસી ગયો હતો. બાદને ભડલી ગામે એક વાડીએ લઈ ગયેલ ત્યા વાડીએ મનીશે મને રેખા બાબતે પુછપરછ કરેલ હતી અને ત્યારે મનીશને કોઈનો ફોન આવેલ કે રેખા બાબરા પોલીસ સ્ટેશન છે જેથી મને છ વાગ્યા બાદ ભડલી હોટલે ઉતારેલ હતો. જસદણ પહોંચીને રત્ન કલાકારે પોલીસ મથક ખાતે દોડી જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ બારૈયા અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.