Ghana,તા.03
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું લાલ જાજમ બિછાવવામાં આવ્યું હતું. ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ પણ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ઘાનાના ટોચના નેતૃત્વ સાથે બેઠકો કરશે અને મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે. પીએમ મોદી ઘાનાની સંસદને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાનનું સ્વાગત અત્યંત ઉષ્માભેર કરવામાં આવ્યું હતું અને તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. બાદમાં તેમને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર, ઓફ ધ સ્ટાર, ઓફ ધ ઘાના આપવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે ચાર મહત્વપૂર્ણ કરાર થયા છે જેમાં કલા સાંસ્કૃતિ, ફાર્મા સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના આમંત્રણ પર ઘાનાની મુલાકાતે આવેલા મોદી, અકરા પહોંચ્યા બાદ કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. આ પ્રધાનમંત્રી મોદીની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ત્રણ દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ઘાનાની આ પ્રથમ મુલાકાત પણ હશે.
ઘાના પહોંચ્યા પછી, પીએમ મોદીએ ટવીટર પર લખ્યું, ‘ઘાનાના અક્રામાં ઉતરાણ કર્યું. રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા દ્વારા એરપોર્ટ પર મારું સ્વાગત કરીને મને આપવામાં આવેલા વિશેષ આવકારથી હું સન્માનિત છું. આપણા દેશો આપણા લાંબા સમયથી ચાલતા સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગના નવા રસ્તાઓ શોધવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.
અગાઉ, જતા સમયે પોતાના નિવેદનમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે ઘાના ‘ગ્લોબલ સાઉથ’માં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન દેશોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રોમાં સહયોગના નવા દરવાજા ખોલવાના હેતુથી વાટાઘાટોની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું, ‘આપણે બંને લોકશાહી દેશો છીએ. આવી સ્થિતિમાં, ઘાનાની સંસદને સંબોધિત કરવી મારા માટે સન્માનની વાત હશે.’
મોદીનું સ્વાગત મુળ ભારતીયોએ સંસ્કૃતના શ્લોકો અને વંદે માતરમથી કર્યુ
અક્રા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘાનામાં ભારતીય મુળના લોકો સાથે સમય વિતાવ્યો હતો ખાસ કરીને બાળકો સાથે મોદી ઓતપ્રોત થઇ ગયા હતા અને ઘાનામાં સંસ્કૃતના શ્લોક અને વંદે માતરમનો ઘોષ ગાજી ઉઠયો હતો. વડાપ્રધાનની આ પ્રથમ ઘાના યાત્રા છે.
છેલ્લા ત્રણ દસકામાં કોઇપણ ભારતીય વડાપ્રધાન આ દેશ પહોંચ્યા ન હતા તેથી વડાપ્રધાનનું સ્વાગત કરવા અહીં 1પ હજારથી વધુ મુળ ભારતીય વંશના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં અનેક ટોચના ઉદ્યોગપતિઓ પણ છે અને શ્રમિકો તરીકે કામ કરે છે.
આફ્રિકામાં ભારતનું નામ ગુંજી રહ્યું છે…
જવાહરલાલ નેહરૂ, અટલબિહારી વાજપેયી બાદ ઘાના જનાર ત્રીજા ભારતીય વડાપ્રધાન
બુધવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાની ધરતી પર ઉતર્યા, ત્યારે ભારતની શક્તિ, રાજદ્વારી અને સંસ્કૃતિનો એક અનોખો સમન્વય જોવા મળ્યો. પીએમ મોદી અકરા પહોંચતાની સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી.
આ સન્માન ફક્ત ભારતના વડા પ્રધાન માટે જ નહીં પરંતુ ભારતની વધતી જતી શક્તિ માટે પણ હતું. આ ઐતિહાસિક મુલાકાત સાથે, વડા પ્રધાન મોદી છેલ્લા 30 વર્ષમાં ઘાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. તેમની મુલાકાતને ભારત-આફ્રિકા સંબંધોના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે.
‘હરે રામ-હરે કૃષ્ણ’ સાંભળીને પીએમ મોદીએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું
ઘાનાના કલાકારોએ ‘જય હો’ ગીત પણ ગાયું
અકરા: ત્રણ દાયકામાં પહેલી વાર કોઈ ભારતીય વડા પ્રધાન આફ્રિકન દેશ ઘાનાની રાજ્ય મુલાકાતે પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવું કરનાર પ્રથમ વડા પ્રધાન બન્યા છે. બુધવારે, જ્યારે તેઓ ઐતિહાસિક બે દિવસીય મુલાકાતે ઘાનાની રાજધાની અકરા પહોંચ્યા, ત્યારે તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
જ્યારે નાના બાળકોએ તેમના સન્માનમાં હરે રામ-હરે કૃષ્ણ ગાઈને તેમનું સ્વાગત કર્યું, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. આ રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક જોડાણને પ્રતિબિંબિત કરે છે.
અગાઉ, જ્યારે વડા પ્રધાન મોદી અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા, ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓનર અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં, મુલાકાત દરમિયાન તેઓ જે હોટેલમાં રોકાશે ત્યાં તેમના સન્માનમાં એક સંક્ષિપ્ત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાને ખુશીથી હાજરી આપી હતી. અને ત્યાં એ.આર.રહેમાનનું ગીત જય હો પણ ઘાનાના કલાકારો દ્વારા ગાવામાં આવ્યું હતું.