Gandhinagar, તા. 16
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિને જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતભરમાં ગુજરાત આજે મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી, વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
અમદાવાદ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીના કિનારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર તરીકે વિકાસ પામ્યું છે.
2007માં ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે નાણાકીય રીતે સમૃદ્ધ એવા ન્યુયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, સિંગાપોર અને દુબઈ જેવા દેશોની જેમ ભારતને પણ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકે વિકસાવવાના હેતુસર ગિફ્ટ સિટીની રચના કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં હાલમાં 20 જેટલી બિલ્ડિંગ કાર્યરત છે તથા બીજા વધુ પ્રોજેક્ટ્સ પણ પ્રગતિમાં છે. ગિફ્ટ સિટીની લોકપ્રિયતા અને ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહિયાં આવી રહી છે, જેના પરિણામસ્વરૂપ ગિફ્ટ સિટીમાં 700થી વધુ બિઝનેસની સ્થાપના થઇ છે. આ ઉદ્યોગોના કારણે ગિફ્ટ સિટીમાં સીધી અને પરોક્ષ રીતે અંદાજિત 25000 જેટલી રોજગારીનું સર્જન થયું છે.
ગિફ્ટ સિટીમાં મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી, 20 મિનિટના અંતરે આવેલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ, 15 મિનિટના અંતરે આવેલ રેલ્વે સ્ટેશન, નેશનલ હાઇવેની કનેક્ટિવિટી સહિત વિવિધ ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
ગિફ્ટ સિટી ખાતે આવેલ ભારતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ટોચના ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું હતું, જે આગામી થોડા વર્ષોમાં ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (લંડન)માં વધુ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરશે. ભારતીય બેંકો સહિત કુલ 28 જેટલા બેન્કિંગ એકમો આવેલા છે તથા કુલ 35 વીમા કંપનીઓ આવેલી છે.
આ ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે 24-એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ એન્ટિટીઝ, 12-શિપ લીઝિંગ, 1-બુલિયન એક્સચેન્જ, 55 કરતા વધુ ફિનટેકસ કંપનીઓ, 130થી વધુ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 124-ફંડ મેનેજમેન્ટ કંપની, 2-આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ તથા 70 કરતા વધુ આનુષંગિક સેવાઓ પૂરી પડતી કંપનીઓ આવેલી છે