દારૂના ધંધાર્થીને ભુજ પાલારા જેલ ખાતે મોકલી દેવાયો
Gir Somnath,તા.30
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવાના ભાગરૂપે, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંતર્ગત, ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે., કોડીનાર તાલુકાના રહેવાસી મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી નામના ઇસમનો ગુનાહિત ભૂતકાળ અને પ્રવૃત્તિઓ ધ્યાને લેવામાં આવી હતી.
મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી અને તેના સહઆરોપીઓ દ્વારા અગાઉ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટી માત્રામાં જથ્થો (કિંમત આશરે રૂ. ૫,૬૪,૩૦૦/-) ગેરકાયદેસર રીતે હેરફેર કરતા ઝડપાયા હતા. આ પ્રવૃત્તિ બદલ તેમની વિરુદ્ધ કોડીનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. મોહસીન તાવડે વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા પાસા દરખાસ્તને મંજૂરીની મ્હોર લાગતા મોહસીનને ભુજ ખાસ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.