Gwalior, તા. 25
મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક કાર આખા રસ્તા પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર માલિક આદિત્ય સિકરવારની પ્રેમિકાએ વિદેશી સોશિયલ મીડિયા ટ્રેન્ડથી પ્રેરિત થઈને સતત 4 કલાકની મહેનત બાદ આખી કાર પર લિપસ્ટિકથી લગભગ 3,400 કિસના નિશાન બનાવી દીધા હતા. કારનો આ અનોખો લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
જોકે, તસવીરો અને વિડીયો વાયરલ થયાં બાદ ગ્વાલિયર ટ્રાફિક પોલીસનું ધ્યાન આ કાર તરફ ગયું હતું. પોલીસે કારનાં રજીસ્ટ્રેશન નંબરનાં આધારે વાહનને શોધી કાઢ્યું અને વાહન માલિકને ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન બદલ પકડી પાડ્યો હતો. આ પ્રકારનાં ફેરફાર અને નિયમ ભંગ બદલ પોલીસે કાર માલિકને રૂ. 5,500 નો દંડ ફટકાર્યો હતો.
પોલીસ કાર્યવાહી બાદ કાર માલિક આદિત્યએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આ કાયદાકીય દંડ ભર્યા બાદ, કાર પરથી લિપસ્ટિકના તમામ નિશાનો સાફ કરીને કારને ધોઈને મૂળ સ્થિતિમાં પાછી લાવવામાં આવી હતી.

