New Delhi,તા.6
દેશમાં અનેક રાજયોમાં સતત ભારે વરસાદ અને પૂરે તબાહી બચાવી છે. ત્યારે અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર ઝડપથી પીગળવાના કારણે રાજયમાં ભયંકર પૂરનો ભય તોળાઈ રહ્યો છે તો પંજાબમાં ભયાનક પૂર વચ્ચે રિંગ ડેમ તૂટવાની અણીએ આવી પહોંચ્યો છે,જેના કારણે 15 ગામોમાં પૂર આવી શકે છે.
અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાને કારણે રાજ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જી શકે છે અને મોટા પાયે વિનાશ નોતરી શકે છે.
સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ (CES&HS) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે પૂર્વ હિમાલયના કેટલાક ગ્લેશિયર દર વર્ષે 1.5 મીટરની ઝડપે પીગળી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી, સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ તવાંગના ગોરીચેન પર્વત પરના ખાંગરી ગ્લેશિયર પર નજર રાખી રહ્યું છે. એક સેટેલાઇટ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2016થી 2025 દરમિયાન આ વિસ્તારના તળાવોનું કદ ઝડપથી વધ્યું છે. આ તળાવો ફાટવાથી અરુણાચલના ઘણા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ વધી ગયું છે.
ગોરીચેન પર્વત વિસ્તારમાં આવેલું રાણી તળાવ ગ્લેશિયર પીગળવાની સૌથી વધુ અસર હેઠળ છે. જો આ તળાવ ફાટે તો અરુણાચલ સહિત સિક્કિમમાં ફરીથી ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે. સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે. શુક્રવાર પાંચમી સપ્ટેમ્બર સુધીમાં બંધ પર 16 ફૂટનું ધોવાણ નોંધાયું હતું. જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા હતા અને પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું હતું.
આ નવો રિંગ ડેમ મુખ્ય બંધથી 700 મીટરના અંતરે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે જોખમમાં છે. હાલ સેના અને NDRFની ટીમ સ્થળ પર તહેનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે ધોવાણ અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યું નહીં. અધિકારીઓના મતે, જો પાણી અહીંથી આગળ વધે તો લુધિયાણાના 15 ગામોમાં પૂર આવી શકે છે.
અહેવાલો અનુસાર, રાહોં રોડ, ટિબ્બા રોડ, તાજપુર રોડ, નૂરવાલા રોડ અને સમરાલા ચોક જેવા શહેરી વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતા છે. સહનેવાલના ધનસુ વિસ્તારમાં પણ પાણી ભરાઈ શકે છે, જેનાથી લગભગ 50 હજાર લોકો પ્રભાવિત થશે.