શરદપૂર્ણિમાને માતા લક્ષ્મીજીના પ્રાકટ્યોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે.
દર વર્ષે આસો સુદ પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.તમામ પૂર્ણિમાઓમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.આસો મહિનાની આ પૂર્ણિમાને ‘શરદ પૂનમ‘ અથવા ‘રાસ પૂર્ણિમા‘ પણ કહેવામાં આવે છે કે જે શરદઋતુના આગમનની નિશાની છે,તેને કોજાગર તરીકે પણ ઓળખવામાં આવે છે.બીજી માન્યતા એવી છે કે શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે તેથી તેને કોજાગર પૂર્ણિમા કહેવામાં આવે છે.શરદપૂર્ણિમાને માતા લક્ષ્મીજીના પ્રાકટ્યોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે.આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીનું સમુદ્રમંથનથી પ્રાકટ્ય થયું હતું તથા દ્વાપરયુગમાં શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રચાવ્યો હતો જેનાથી પ્રસન્ન થઈને ચંદ્રે અમૃત વરસાવ્યું હતું તેથી તેને રાસ-પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
શરદ પૂર્ણિમા એ જાગૃત્તિનો ઉત્સવ,વૈભવ અને આનંદ-ઉલ્લાસનો ઉત્સવ.આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને પૃથ્વીથી નજીક હોય છે,તેના કિરણોના સેવનથી મન અને શરીરની બિમારીઓ દૂર થાય છે.શ્રીમદ ભગવદગીતા(૧૫/૧૩)માં કહ્યું છે કે
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા
પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ
હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને સર્વ ઔષધિઓને પુષ્ટ કરી તેમને ઓસડ જેવી ગુણકારી બનાવું છું.નક્ષત્રાણામહં શશી..આ ચંદ્રને ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે.શરદ પૂર્ણિમાને કોજાગીરી પણ કહેવાય છે.કોજાગરાનો અર્થ થાય છે જે જાગતું હોય છે.એવું માનવામાં આવે છે કે જે કોઇ આ રાત્રે જાગતા રહે છે તેના ઘર પર દેવી લક્ષ્મી આશીર્વાદ આપે છે.લક્ષ્મી જાગૃત માણસને મળે છે.આળસુ-પ્રમાદી અને ઉંઘતો માણસ પ્રત્યક્ષ સામે આવેલ લક્ષ્મીને વધાવી શકતો નથી એટલે સંતોએ ગાયું છે કે..
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ,અબ રૈન કહાં જો સોવત હૈ,
જો સોવત હૈ વો ખોવત હૈ,જો જાગત હૈ સો પાવત હૈ..
ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં કુંવારી છોકરીઓ આ દિવસે સૂર્યનારાયણની અને રાત્રે ચંદ્રની પૂજા કરે છે,આમ કરવાથી તેમને મન ઈચ્છિત જીવનસાથી મળે છે.
શરદ પૂર્ણિમાએ ખીર કેમ રાખવામાં આવે છે? શરદ પૂર્ણિમાની ચાંદનીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ દિવસે ચંદ્ર સોળે કળાએ ચમકે છે.એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં કેટલાક એવા તત્વો હોય છે જે આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે કેમકે શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણો અમૃતમય હોય છે તેથી શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને ચાંદનીમાં રાખવાની પરંપરા છે.ચંદ્રના કિરણોને કારણે ખીરમાં અમૃત જેવા ઔષધીય ગુણો આવે છે જેનાથી શરીરમાં વધેલ પિત્ત નાશ પામે છે,આંખોને તેજસ્વી બનાવે છે,ચામડી તથા શ્વાસના રોગોમાં રાહત થાય છે.આ દિવસે દૂધ અને ચોખાની ખીર તૈયાર કરીને એક વાસણમાં રાખી તેને ચોખ્ખા કપડાથી ઢાંકીને ચાંદનીમાં રાખી બીજા દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં ભગવાન વિષ્ણુને અર્પણ કરી તેને પરીવારના સભ્યોને વહેંચવામાં આવે છે.તેનાથી અનેક રોગોમાં ફાયદાઓ થાય છે.ખાસ કરીને ચામડીના રોગો માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તથા આંખોની રોશની વધારવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.આ ખીર માત્ર વાણીની ખામીને દૂર કરે છે પરંતુ દેવી લક્ષ્મીની કૃપા પણ લાવે છે.આ ખીરને પ્રસાદ તરીકે ખાવાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં આવે અને તમારા માથા પર દેવી લક્ષ્મીનો હાથ રહેશે.
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રને જળ અર્પણ કરવામાં આવે છે.દેવી લક્ષ્મીની પૂજા કરી સંપત્તિ માટે પ્રાર્થના કરવા ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.આ દિવસે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું તથા જરૂરતમંદોને દાન કરવું.શરદ પૂર્ણિમાના દિવસે નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો,કોઈની સાથે દલીલ ન કરો,ગુસ્સો ન કરો તથા જૂઠું ન બોલવું જોઈએ.
શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરવું.આજના દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું તથા કાળા રંગનો ઉપયોગ ન કરવો તથા કાળા વસ્ત્રો ન પહેરવા.જો તમે તેજસ્વી સફેદ કપડાં પહેરો તો તે વધુ સારૂં રહેશે.શરદપૂર્ણિમાનું વ્રત રાખનારે લક્ષ્મીમાતાની પ્રાકટ્ય કથાનો પાઠ કરવો જોઇએ.આસો સુદ પૂર્ણિમાના રોજ લક્ષ્મીમાતાની સમુદ્રમંથનમાંથી ઉત્પત્તિ થઇ હતી તેની કથા જોઇએ..
ભિષ્મજી કહે છે કે હે મુનિ ! મૈં સાંભળ્યું છે કે લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી પ્રગટ થયાં હતાં અને આપ કહો છો કે તેમનો જન્મ ભૃગુઋષિની પત્ની ખ્યાતિના ગર્ભથી થયો હતો.ત્યારે પુલત્સ્ય મુનિએ કહ્યું કે તમારા પ્રશ્નનો જવાબ સાંભળો.લક્ષ્મીજીનો જન્મ સમુદ્રમાંથી થયો હતો આ કથા મેં બ્રહ્માજીના મુખથી સાંભળી હતી. એકવાર દૈત્યો અને દાનવોએ વિશાળ સેના લઇને દેવતાઓ ઉપર ચઢાઇ કરી.આ યુદ્ધમાં દેવતાઓની હાર થઇ ત્યારે તમામ દેવતાઓ બ્રહ્માજીના શરણમાં જઇ તમામ હકીકત સંભળાવી.બ્રહ્માજી તમામ દેવતાઓને લઇને ક્ષીરસાગરના ઉત્તર કિનારે ભગવાન વાસુદેવના શરણમાં જઇને કહ્યું કે હે વિષ્ણુ ! આપ આ દેવતાઓનું કલ્યાણ કરો.આપની સહાયતા વિના વારંવાર દેવતાઓની હાર થાય છે.
ભગવાન નારાયણે કહ્યું કે દેવગણો ! હું તમારા તેજની વૃદ્ધિ કરીશ અને હું જે ઉપાય બતાવું છું તેમ કરો.હે દેવો ! કોઇ મોટું કામ કરવાનું હોય તો શત્રુઓ સાથે સુલેહ-સુમેળ કરી લેવો જોઇએ અને કામ થઇ ગયા પછી તેમની સાથે સર્પમૂષકન્યાયે વર્તન કરી શકો છો.(સર્પમૂષકન્યાયે એટલે મદારીના કરંડીયામાં સાપ પહેલાંથી જ હતો,સંયોગવશ એક ઉંદર આવે છે ઉંદર ડરી ગયો ત્યારે સાપે તેને પ્રેમથી સમજાવ્યો કે તૂં કરંડીયામાં કાણું પાડી દે પછી આપણે બંન્ને ભાગી જઇશું.પહેલાં તો સાપની વાત ઉપર ઉંદરને વિશ્વાસ આવતો નથી પણ પછી તેને કરંડીયામાં કાણું પાડી દીધું.આ પ્રમાણે કામ બની ગયા પછી સાપ ઉંદરને ગળી ગયો.) દૈત્યોની સાથે મળીને તમામ પ્રકારની ઔષધિઓ લાવી તેને ક્ષીરસાગરમાં નાખો પછી મંદરાચલ પર્વતનો રવૈયો બનાવો,વાસુકિ નાગનો રવૈયો બનાવી સમુદ્રમંથન કરો અને આ કાર્યમાં હું તમોને સહાયતા કરીશ. સમુદ્રમંથન કરવાથી જે અમૃત નીકળશે તેનું પાન કરવાથી તમે બળવાન અને અમર બની જશો. ભગવાનની આજ્ઞાનુંસાર તમામ દેવતાઓએ દૈત્યો સાથે સંધિ કરી.દેવ-દાનવ અને દૈત્ય તમામ ભેગા મળીને તમામ પ્રકારની ઔષધિઓ લઇ આવ્યા અને તેને સમુદ્રમાં નાખી મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી તથા વાસુકિ નાગનો રવૈયો બનાવી ઘણા જ વેગથી સમુદ્રમંથન કરવા લાગ્યા.મંદરાચલ પર્વત ડૂબી ના જાય તેથી ભગવાન વિષ્ણુ કૂર્મરૂપ ધારણ કરીને તેને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો.
ભગવાન વિષ્ણુની પ્રેરણાથી તમામ દેવતાઓ વાસુકિની પૂંછ તરફ દૈત્યો વાસુકિના મસ્તક તરફ ઉભા રહી મંથન કરતા હતા જેથી વાસુકિની શ્વાસ તથા વિષાગ્નિના કારણે દૈત્યો નિસ્તેજ બની ગયા.ક્ષીરસમુદ્રની વચ્ચોવચ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજી તથા મહાતેજસ્વી મહાદેવજી કચ્છપ રૂપધારી શ્રીવિષ્ણુ ભગવાનની પીઠ ઉપર ઉભા રહી પોતાના હાથથી મંદરાચલને પકડી રાખ્યો હતો.
ભગવાન વિષ્ણુએ કહ્યું કે સમુદ્રમંથનથી પ્રથમ કાલકૂટ વિષ નીકળશે તેનાથી ભય પામવું નહી.બીજી કોઇપણ વસ્તુ મેળવવા ક્યારેય લાલચ કરવી નહી અને કોઇ કામના પુરી ના થાય તો ક્રોધ કરવો નહી. સમુદ્રમંથનથી પ્રથમ હળાહળ કાલકૂટ નામનું ભયંકર વિષ પ્રગટ થયું જેનાથી દેવતાઓ અને દાનવોને ઘણી પીડા થવા લાગી ત્યારે તમામ ભેગા થઇ સદાશિવના શરણમાં ગયા.તેમને હળાહળ વિષનું પાન કરી લીધું તેથી તેમનો કંઠ નિલવર્ણી થઇ ગયો ત્યારથી મહેશ્વર નિલકંઠ કહેવાય.જે સમયે સદાશિવ વિષપાન કરી રહ્યા હતા ત્યારે તેમની હથેળીમાંથી થોડુંક વિષ ટપકી પડ્યું તેને વિછીં-સાપ તથા અન્ય ઝેરી જીવોએ તથા ઝેરી ઔષધિઓએ ગ્રહણ કર્યું.
ત્યારપછી દેવપૂજીત સુરભિ(કામધેનુ)નો આવિર્ભાવ થયો જેનો બ્રહ્મવાદી ઋષિઓએ સ્વીકાર કર્યો.પછી ઉચ્ચૈઃશ્રવા નામનો અશ્વ નીકળ્યો જે ઇન્દ્ર લઇ ગયા.ત્યારબાદ ઐરાવત નામનો હાથી નીકળ્યો જેને ચાર મોટા મોટા દાંત હતા તે ઇન્દ્ર લઇ ગયા.પાંચમું રત્ન કૌસ્તુભમણિ જે ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો.તે પછી કૌસ્તુભ નામનો પદ્મરાગ મણિ નીકળ્યો.ત્યારબાદ સ્વર્ગની શોભા વધારનારૂં કલ્પવૃક્ષ નીકળ્યું.ત્યારપછી અપ્સરાઓ પ્રગટ થઇ જે દેવતાઓ અને દાનવોની સામાન્યરૂપથી ભોગ્યા છે.જે લોકો પુણ્યકર્મ કરીને દેવલોકમાં જાય છે તેમનો તેની ઉપર અધિકાર હોય છે.ત્યારપછી ક્ષીરસાગરમાંથી લક્ષ્મીદેવીનું પ્રાદુર્ભાવ થાય છે જે ભગવાનની નિત્ય શક્તિ છે જે કમળ ઉપર વિરાજમાન હતાં અને હાથમાં કમળ હતું.તેમની પ્રભા ચારેબાજુ ફેલાઇ રહી હતી.તે સમયે મહર્ષિઓએ શ્રીસૂક્તમનો પાઠ કરી ઘણી જ પ્રસન્નતાથી તેમનું સ્તવન કર્યું સમુદ્રે તેમને પીળા વસ્ત્રો આપ્યાં.વિશ્વકર્માજીએ તેમના તમામ અંગોમાં આભૂષણ પહેરાવ્યા.વરૂણે વૈજ્યતિમાળા આપી.સરસ્વતીજીએ મોતીનો હાર,બ્રહ્માજીએ પદ્મ અને નાગોએ બે કુંડળ આપ્યાં.તેમને ભગવાન વિષ્ણુને વરરૂપે પસંદ કર્યા.ભગવાને પોતાના વક્ષઃસ્થળ ઉપર સ્થાન આપ્યું.
ત્યારપછી કમળનયના કન્યારૂપે વારૂણીદેવી પ્રગટ થયા.જેને દૈત્યોએ આસુરી અપ્સરા તરીકે દૈત્ય સમાજમાં સ્થાન આપ્યું.આ વારૂણીદેવીને મદિરા તરીકે ઓળખવામાં આવે છે.જેને અપવિત્ર માનીને દેવતાઓએ ત્યાગ કર્યો જેનો ભગવાનની અનુમતિથી અસુરોએ સ્વીકાર કર્યો.દશમુ રત્ન તે ચંદ્રમા.હળાહળ વિષની અગ્નિની અસરને શાંત અને શિતળ કરવા ભગવાન શિવે પોતાની જટામાં ધારણ કર્યો. સાગરમંથનનું અગિયારમું રત્ન પારિજાત વૃક્ષ જેને ઇન્દ્રે પોતાના ઉપવનમાં રાખ્યું.બારમુ રત્ન પંચરત્ન શંખ જેને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો.
પછી અમૃતની ઇચ્છાથી ફરી સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી એક અત્યંત અલૌકિક પુરૂષ પ્રગટ થયા તે જ આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞના ભોક્તા ભગવાન ધન્વંતરિ નામે સુપ્રસિદ્ધ થયા.તેમના હાથમાં અમૃતકુંભ હતો જે જોઇને અસુરોએ છીનવી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ માયાથી સુંદર સ્ત્રીનું મોહીનીરૂપ ધારણ કરીને દૈત્યોને લોભાવી તેમની પાસે જઇને કહ્યું કે આ અમૃતકુંભ મને આપી દો. ત્રિભુવન સુંદરી રૂપવતી નારીને જોઇને દૈત્યોનું ચિત્ત કામથી વશીભૂત થઇ ગયું.તેમને ચૂપચાપ અમૃતકુંભ તે સુંદરીના હાથમાં આપી દીધો.દાનવો પાસેથી અમૃત લઇને ભગવાને દેવતાઓને પીવડાવી દીધું જેનાથી દેવતાઓ બળવાન થઇ ગયા તેથી દાનવોનો પરાજય થતાં તે પાતાળમાં ચાલ્યા ગયા અને દેવતાઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)