Mumbai,તા.28
બુલીયન બજારમાં તેજીએ નવી છલાંગ લગાવી હોય તેમ સોના-ચાંદીમાં આજે ફરી તોતીંગ ઉછાળો નોંધાયો હતો અને ભાવ નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. સોનામાં 10 ગ્રામે રૂા.1200 તથા ચાંદીમાં પ્રતિકિલો રૂા.3800નો ભાવવધારો થયો હતો.
રાજકોટમાં હાજર સોનુ 10 ગ્રામનો ભાવ રૂા.92300 હતો જયારે ચાંદીનો 1,04,000 થયો હતો. વિશ્વબજારમાં સોનુ 3072 ડોલર તતથા ચાંદી 34.50 ડોલર હતી. કોમોડીટી એકસચેંજમાં સોનુ 88750 તથા ચાંદીનો ભાવ 101800 હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમો માર્કેટ પર પ્રભાવ પાડી રહ્યા છે. 2 એપ્રિલથી અમેરિકા વિશ્વભરના દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરનાર છે તેનાથી દુનિયાભરમાં વ્યાપાર ક્ષેત્રે તીવ્ર પ્રત્યાઘાતો સર્જાવાની આશંકા વ્યક્ત થતા સેફ હેવન ગણાતા સોના-ચાંદીમાં ખરીદી વધવા સાથે થઈ છે.
આવનારા ટુકાગાળામાં હજુ અનિશ્ચિત અને ઉથલપાથલભર્યો બની રહે તેમ હોવાની અટકળોથી તેજી વધુ તીવ્ર બની રહી છે. ચાંદીમાં ટુંકાગાળામાં ભાવ સવા લાખ થવાની જાણકારો આગાહી કરી જ રહ્યા છે.
જાણકારોએ એમ કહ્યુ કે, અમેરિકાએ ઓટો ક્ષેત્રે 25 ટકા ટેરિફ જાહેર કરી જ છે. ટ્રેડવોરના ગભરાટ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોથી ડોલર ઈન્ડેકસ પણ 104 પોઈન્ટથી વધી ગયો હતો. અમેરિકામાં બે વખત વ્યાજદર ઘટવા સામે પણ શંકા દર્શાવવામાં આવી રહી છે. ફુગાવાને હજુ ચિંતાનુ જ કારણ ગણાવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય એજન્સી ગોલ્ડમેન સાકસે સોનાનો ભાવ 2025ના અંતે 3100 થવાની આગાહી કરી હતી તે હવે અપડેટ કરીને 3300 ડોલર કરી છે. ચીન સહિત દુનિયાના દેશોની વધતી ખરીદીથી ટારગેટ વધારવામાં આવ્યો છે.
જવેલર્સોના કહેવા પ્રમાણે બે-ત્રણ દિવસ સોનાના ભાવ થોડા નબળા પડતા માર્કેટમાં ઈન્કવાયરી દેખાવા લાગી હતી પરંતુ ફરીથી તેજી સર્જાતા ડીમાંડને મોટી અસર થવાની ભીતિ છે.