New Delhi,તા.4
સ્થાનિક બજારમાં સોના-ચાંદીએ છેલ્લાં એક વર્ષમાં નિફ્ટી અને સેન્સેક્સ કરતાં ઘણું ઊંચું રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, બંને બેન્ચમાર્ક સૂચકાંકોએ લગભગ 3 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. આ બંને કિંમતી ધાતુઓએ એક વર્ષમાં 45 ટકાથી વધુનું વળતર આપ્યું છે અને તેમની વૃદ્ધિ લગભગ 50 ટકા સુધી વધી છે.
ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો, જિયોપોલિટિકલ ટેન્શન વધવાની અને અમેરિકી અર્થવ્યવસ્થા અંગે વધતી ચિંતાઓ વચ્ચે સ્થાનિક બજારોમાં બુધવારે સોનાનાં ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ તે 10 ગ્રામ દીઠ રૂ।.1,07,070ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ।.1,26,100 (તમામ કરવેરા સહિત) સ્થિર રહ્યાં હતાં. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનામાં વધારો 3,547.09 ડોલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આનાથી ઊલટું, યુએસ-ઇન્ડિયા ટેરિફ, વિદેશી ફંડો દ્વારા સતત વેચવાલી અને રૂપિયાની નબળાઇને લગતાં મુદ્દાઓએ સાથે મળીને સ્થાનિક શેરના ભાવમાં ઘટાડો કર્યો છે.
પરિણામ એ આવ્યું છે કે, છેલ્લાં એક વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીએ માંડ માંડ પ્રદર્શન કર્યું છે. મહેતા ઇક્વિટીઝના રાહુલ કલાંત્રીના જણાવ્યાં પ્રમાણે સોના-ચાંદીમાં હાલની તેજી હજુ થોડા મહિના સુધી ચાલું રહેવાની શક્યતા છે.
મજબૂત વળતર
► સોના અને ચાંદીનું 1 વર્ષનું વળતર : આશરે 50 ટકા (પ્રત્યેક 45 ટકાથી વધુ)
► સેન્સેક્સ/નિફ્ટીનું 1 વર્ષનું રિટર્ન : અંદાજે 3 ટકાનો ઘટાડો
► બુધવારે સોનાનાં ભાવ 1,000 રૂપિયા વધીને 1,07,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયાં છે.
► ચાંદી રૂ।.1,26,100 પ્રતિ કિલોની સપાટીએ સ્થિર રહી હતી, જે આ ધાતુની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે.
► વૈશ્વિક સોનું 3,547.09 ડોલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું.
► 3 વર્ષમાં સોના-ચાંદીનો દેખાવઃ બમણાથી વધુ