Surat,તા.૨૧
Surat શહેરના અઠવા વિસ્તારમાં આવેલી કેનેરા બેંકના લોકરમાંથી કિંમતી દાગીના અને સોનું ગાયબ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૫૩ વર્ષીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિએ આક્ષેપ કર્યો છે કે તેમના બેંક લોકરમાં રાખવામાં આવેલા રૂ. ૪૫ લાખની કિંમતના ૩૦૦ ગ્રામ સોનાના અસલી બિસ્કિટની જગ્યાએ કોઈએ ડુપ્લિકેટ બિસ્કિટ પધરાવી દીધા છે. આ સમગ્ર મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાતાં બેંકિંગ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરતમાં ફાર્માસ્યુટિકલ કંપની ધરાવતા રીનમ શાહ નામના વેપારી વર્ષોથી કેનેરા બેંકનું લોકર વાપરે છે. વર્ષ ૨૦૧૮ માં ઘર શિફ્ટ કરતી વખતે તેમનાથી લોકરની મૂળ ચાવી ખોવાઈ ગઈ હતી. જે અંગે બેંકને જાણ કર્યા બાદ ૧૦,૦૦૦ નો દંડ ભરીને નવી ચાવી બનાવડાવવામાં આવી હતી. તે સમયે બેંક અધિકારીઓની હાજરીમાં લોકર તોડીને નવી ચાવી રીનમ શાહને આપવામાં આવી હતી.
ચાલુ વર્ષે ૧૮ ફેબ્રુઆરીના રોજ રીનમ શાહે બેંક લોકરમાંથી પોતાની પત્ની દીપા શાહને લગ્ન સમયે ભેટમાં મળેલા કિંમતી દાગીના, ચાંદીના સિક્કા અને ૧૦૦-૧૦૦ ગ્રામના ૩ સોનાના બિસ્કિટ ઘરે લાવ્યા હતા.સોનાના બિસ્કિટનો રંગ અને ચમક શંકાસ્પદ લાગતાં તેમણે સ્થાનિક જ્વેલર પાસે ચકાસણી કરાવી હતી.
૧૦૦ ગ્રામના બદલે દરેક બિસ્કિટનું વજન માત્ર ૬૫ ગ્રામ નીકળ્યું હતું. આ સિવાય બિસ્કિટ પર કોઈ હોલમાર્ક નહોતો અને તેમાં અસલી સોનું માત્ર ૩% જ હતું, જે સાબિત કરે છે કે લોકરમાંથી અસલી બિસ્કિટ બદલીને બોગસ બિસ્કિટ મૂકી દેવાયા હતા. કિંમતી સોનું બોગસ હોવાનું સામે આવતાં જ વેપારીએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ, લોકર એક્સેસ રજિસ્ટર અને કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે કે આખરે કડક સુરક્ષા ધરાવતા લોકરમાંથી સોનાની અદલાબદલી કેવી રીતે શક્ય બની.

