Bhavnagar,તા.૨૧
Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. શહેરની સર.ટી.હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ગીર સોમનાથ જિલ્લાના બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ઘણા દિવસથી સારવારમાં રહેલા બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. આ શંકાસ્પદ મોતનું કારણ ચાંદીપુરા વાયરસ માનવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં સર.ટી.હોસ્પિટલમાં દાખલ ગીર સોમનાથ જિલ્લાના બાળકનું મોત થયું છે. બાળરોગ વિભાગના ડૉક્ટર મેહુલ ગોસાઇએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષના બાળકનું મોત થયું છે, જે ગીર સોમનાથનો રહેવાસી છે. સર.ટી.હોસ્પિટલમાં તેના આરટીપીસીઆરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ લક્ષણોને પગલે ગાંધીનગર જીબીઆરસી લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
૧૦ દિવસ પહેલા પણ ભાવનગરમાં ચાંદીપુરાનો કેસ આવ્યો હતો જેમાં છ વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. જોકે, તેના લેવાયેલો રીપોર્ટ ૧૦ દિવસ પછી આવતા તંત્ર દોડતું થયું હતું. અન્ય બાળ દર્દીઓમાં ગંભીર લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ વલ્લભીપુર અને આસપાસના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેક્ષણ, ૧૪ વર્ષથી નીચેના બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ અને માખીઓ સામે દવાઓનો છંટકાવ કરી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય અધિકારી ડોક્ટર કોકીલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસ વલ્લભીપુરના મેલાણા ગામમાં બનવા પામ્યો છે. આ બનાવમાં છ વર્ષનું બાળક છે અને તેને ૭ જુલાઈના રોજ તાવ આવતા પ્રથમ વલ્લભીપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ આઠ તારીખે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રિફર કરાયો હતો અને નવ તારીખના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
વલ્લભીપુરના મેલાણામાં ખેતમજૂરી કરતા પરિવારના બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર કોકીલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આ જે લોકો હતા તે દેવભૂમિ દ્વારકાના ભાટીયાથી અહીં ધંધા માટે એક મહિના પહેલા જ આવ્યા હતા અને વાડી વિસ્તારમાં રહેતા હતા. ભોગ બનનાર બહેન છે તે પોતાના ભાઇને ત્યાં કામ માટે આવ્યા હતા. બાળકના મોત બાદ સમગ્ર પરિવાર મધ્યપ્રદેશનો હોવાથી પોતાના વતન જતો રહ્યો હોવાનું જાણવા મળે છે.
આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર કોકીલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૮ તારીખના રોજ આ બાળકના સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા મેલાણા ગામે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં રેપીડ એક્શન ટીમ બનાવીને પરિવારના રહેણાંકમાં તપાસ પણ કરાઈ હતી. જોકે હાલ સેન્ટ ફ્લાય કે તેના જવાબદાર કોઈપણ પ્રકારના પુરાવા ચાંદીપુરાને પગલે સામે આવ્યા નથી. આમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી ગામમાં શરૂ કરી દેવામાં આવી છે.

