Rajkot, તા. 9
મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ નવા નાણાંકીય વર્ષમાં વધુ વેગવંતી બને છે. આજે જવાહર રોડ, દાણાપીઠ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વધુ 24 મિલ્કતોને સીલ મારી ત્રણ નળ જોડાણ પણ કાપવામાં આવ્યા હતા. તો આજે 24.65 લાખની રીકવરી થતા વેરાની આજ સુધીની આવક 335.07 કરોડ પર પહોંચી છે.
ટેકસ વિભાગે આજે કરેલી કાર્યવાહીમાં જુના અને જાણીતા અને કાયમી બાકીદાર એવા ગોંડલ રોડના જીમ્મી ટાવર્સમાં કાર્યવાહી કરાઇ છે. બ્રીજ પાસે આ બિલ્ડીંગ બન્યું ત્યારથી દર વર્ષે સીલ મારવાનો કાર્યક્રમ થાય છે. આજે આ ટાવરમાં ગ્રાઉન્ડ ફલોર પર ચાર અને છઠ્ઠા માળે બે ઓફિસને સીલ મારવામાં આવ્યા હતા. વોર્ડ નં.1માં 150 ફુટ રોડના યશ કોમ્પ્લેક્ષમાં બે દુકાન, શાસ્ત્રીનગરમાં એક મિલ્કત સીલ કરાઇ હતી. વોર્ડ નં.રમાં જામનગર રોડના પુષ્કર ધામ, સરકાર કોમ્પ્લેક્ષ પર સીલ મારવામાં આવ્યા હતા.
વોર્ડ નં.3માં દાણાપીઠની લાભ ચેમ્બર, ભીડભંજન ચોક અને મોચી બજારમાં એક એક મિલ્કત સીલ કરાઇ હતી. વોર્ડ નં.પના હુડકો અને માર્કેટ યાર્ડ રીંગ રોડ પર નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. વોર્ડ નં.6ના રણછોડનગરમાં એક, વોર્ડ નં.13ના ગોંડલ રોડના રૂદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં એક ઓફિસ સીલ કરાઇ હતી. આજે જુદા જુદા અન્ય વોર્ડમાં સીલીંગ અને નળ કાપવાની કાર્યવાહી થતા વેરાના ચેક જમા પણ થયા હતા.