Gondal, તા. 17
ગોંડલમાં શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞા પીઠ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી માતાજી મંદિરના 45 મા વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ચંદુભાઈ પટેલ અને સમગ્ર ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં ભક્તિભાવ સાથે અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પવિત્ર અવસરે ‘ગાયત્રી હેલ્થ સેન્ટર’ અને ‘OMGAYATRIHEALTHCENTER’ નામની યુટ્યુબ ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.
જેમાં ભુનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ, પીઠ અધ્યક્ષ ડો. રવિ દર્શનજી, ખેતર વાળા મેલડી માતાજી મંદિરના મહામંડલેશ્વર મહંત રમેશાનંદ ગીરી, અને પ્રગટેશર મંદિરના મહંત ગૌતમગીરી સહિતના સંતોએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ રાજવી પરિવારના કુમાર જ્યોર્તિમયસિંહજી જાડેજા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા અને ચેરમેન કિશોરભાઈ કાલરીયા, ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન રૈયાણી, એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા, કડવા પટેલ સમાજના પ્રમુખ, કિશોરભાઈ આંદીપરા, ધર્મેન્દ્રભાઈ રાજાણી સહિત ગોંડલ શહેરના સામાજિક આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું પુસ્તક વિમોચન, જે ચંદુભાઈ પટેલ દ્વારા લિખિત સાત જેટલા પુસ્તકોનું સંતો અને મહેમાનોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકોમાં ‘વૃક્ષો’, શરીરમાં અદભુત શક્તિઓ’, ‘જીવન જીવવાની જડીબુટ્ટી’, ‘કુદરતના ખોળામાં જઈએ નિરોગી રહીએ’, ‘વાસ્તુશાસ્ત્ર’, ‘વીણેલા અમૂલ્ય મોતીઓ’ અને ‘માતૃશ્રી સ્વ. દૂધીબહેન જેરામભાઈ ડઢાણીયા સ્મૃતિ ગ્રંથ’નો સમાવેશ થાય છે.
આ પુસ્તક વિમોચન પ્રસંગે જાણીતા લેખક જય વસાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું કે નવી લોન્ચ કરાયેલી યુટ્યુબ ચેનલ લોકોને સ્વાસ્થ્ય જાળવવા અંગે માહિતગાર કરશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

