Gandhinagar,તા.૨૫
આજે સુશાસન દિવસના અવસરે ગુજરાતના શિક્ષણમંત્રી અને સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર કરવામાં આવેલી નવી પોલિસીઓ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આજે સુશાસન દિવસની ઉજવણી કરી રહી છે. આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપતી પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીઓમાં એનઆરજી વેબસાઇટનું લોન્ચિંગ, એનર્જી પોલિસી, પેટ્રોકેમિકલ્સ,ઇવી ચાર્જિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે, જે રાજ્યને વિકસિત બનાવવામાં મદદરૂપ થશે.
જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના આદર્શને અનુસરીને વિવિધ ક્ષેત્રોમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે પગલાં લીધા છે. તેમણે ભાર મૂક્યો કે, નોન રેસિડન્ટ ગુજરાતી વેબસાઇટના લોન્ચિંગથી વિદેશમાં રહેતા ગુજરાતીઓને તેમની માતૃભૂમિ સાથે જોડવામાં અને તેમના યોગદાનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આ વેબસાઇટ પર એનઆરજીને સરકારી યોજનાઓ, રોકાણની તકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે માહિતી મળશે.
એનર્જી પોલિસી અને પેટ્રોકેમિકલ્સ સાથે જોડાયેલી નીતિઓથી રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં નવા પરિમાણો ઉમેરાશે. તેમણે કહ્યું કે, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગને વેગ આપવા માટે નવી સુવિધાઓ અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે, જે રોજગારીની તકો વધારશે.ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) ચાર્જિંગ નેટવર્કને વિસ્તારવા માટે પણ નવી પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં ઈફ અડોપ્શનને વેગ આપવા માટે ચાર્જિંગ સ્ટેશન્સનું નેટવર્ક વિકસાવવામાં આવશે. આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ભાર મૂકીને રોડ, બ્રિજ અને અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સને વેગ આપવામાં આવશે.
સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આ દિવસ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સમર્પિત છે અને ગુજરાત સરકારે તેને અનુસરીને લોકમુખી નીતિઓ અમલમાં મૂકી છે. તેમણે વિરોધ પક્ષને પણ આમાં સહયોગ આપવાની અપીલ કરી અને કહ્યું કે, આ પોલિસીઓથી ગુજરાત વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ પોલિસીઓના અમલ અને લાભો વિશે વિગતવાર માહિતી આપી. આ કાર્યક્રમથી રાજ્યમાં વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી રાજ્ય વહીવટને વધુ કાર્યક્ષમ બનાવતી તેમજ જનહિતને સ્પર્શતી વિવિધ પહેલનો શુભારંભ કરાવ્યો. જે અંતર્ગત, મારી યોજના પોર્ટલ, ભૂજ ખાતે દેશની પ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી,પીડીઇયુ ખાતે સેમિકન્ડક્ટર એટીએમપી ટ્રેનિંગ સેન્ટર, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓ, ગ્રામ્ય કક્ષાએ ફાઈબર-ટુ-હોમ સુવિધા, કર્મચારીના કેપેસિટી બિલ્ડીંગ માટેની વિવિધ પહેલ સહિતના ઈનિશિયેટીવ્ઝ ગુડ ગવર્નન્સની વિભાવનાને સાકાર કરનારા બની રહેશે.
તેમણે લખ્યું કે, આ અવસરે સ્વચ્છતા અભિયાન હેઠળ સુંદર કામગીરી કરનાર સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓને સન્માનિત કરીને તેમની જાગૃતિ અને કામગીરીને બિરદાવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ નું વિઝન આપણને આપ્યું છે ત્યારે તેને સાકાર કરવામાં પ્રો-પિપલ પ્રોએક્ટિવ ગુડ ગવર્નન્સ દ્વારા ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે.

