(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦
ખાણ ખનિજ વિભાગ અમરેલી દ્વારા ખનિજ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આંબા જીરા ગામની સીમમાં ગઈકાલે આકસ્મિક રીતે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ખનીજ વિભાગને મોટી સફળતા મળી હતી.
આ બનાવમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે ગઈકાલ તારીખ ૧૯ ના રોજ આંબા જીરા ગામે આવેલ નદીમાં ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન કરી અને પરિવહન કરતા ૩ ડમ્પર, ૨ ટ્રેક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
આ સ્થળ પરથી મળી આવેલ કુલ ૫ વાહનો અને રેતીનો જથ્થો મળીને અંદાજે રૂપિયા ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ ખનિજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ખાણ ખનિજ વિભાગ, અમરેલી દ્વારા સ્પષ્ટ રીતે ચેતવણી આપેલ છે કે, જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કે પરિવહન કરતા ઈસમો સામે આગામી સમયમાં અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી મિલકત અને ખનીજ સંપત્તિની ચોરી કરનાર કોઈને પણ રીતે બક્ષવામાં આવશે નહીં.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ તત્વોએ તાત્કાલિક આવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી, અન્યથા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતના કડક પગલાં લેવામાં આવશે.ખાણ ખનિજ વિભાગ, અમરેલીની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

