(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦
અમરેલી તાલુકાના સરંભડા ગામે નદીમાંથી થઈ રહેલા કથિત ગેરકાયદે રેતી ખનન સામે સ્થાનિક ગ્રામ જનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરતા અસરકારક કાર્યવાહી થઇ હોવા છતાં વહીવટીતંત્રની સાથે મળી ગામલોકો પણ એકત્રિત થયા હતા. સુરત અને અમદાવાદમાં વસતા સરંભડા ગામના વતનીઓ પણ માદરે વતન પહોંચી વિરોધમાં જોડાયા હતા. નદી કાંઠે એકત્રિત થઈ ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી રેતી ચોરી બંધ કરાવવા અને પ્રકૃતિના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો.
અમરેલી તાલુકાના સરંભડા તથા આજુબાજુના ગામે શેત્રુજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ચોરી કરી અને નદીમાંથી ૧૦ ફૂટ જેટલી નદીમાંથી રેતી ખનન કરી નાખેલ હતી. જેનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો એકત્રિત થઇ રેતી ચોરી અટકાવવા માંગ કરી છે.
ગામલોકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરીને ગેરકાયદે રેતી ખનન અટકાવવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં હવે ગ્રામજનોએ સામૂહિક રીતે વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
ગામલોકોએ રેતી ચોરી અટકાવવાનો પ્રયાસ કરતાં ખનન સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે માથાકૂટ થયાની પણ ચર્ચા છે. આ ઘટનાથી ગ્રામજનોમાં વધુ રોષ ફેલાયો છે.
સરંભડા ગામના સુરત અને અમદાવાદમાં વસતા વતનીઓ પણ પોતાના ગામે પહોંચી આ વિરોધમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કાંઠે એકત્રિત થયા અને ‘‘નદી બચાવો, પ્રકૃતિ બચાવો’’ના સૂત્રોચ્ચાર સાથે ગેરકાયદે રેતી ખનન સામે અવાજ ઉઠાવ્યો હતો.
ગ્રામજનોએ જણાવ્યું કે નદીમાંથી બેફામ રેતી ખનન થવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે તેમજ નદીનું કુદરતી અસ્તિત્વ જોખમાય છે. તેથી ગેરકાયદે રેતી ખનન પર તાત્કાલિક રોક લગાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ગામલોકોએ પ્રકૃતિ અને નદીના સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું કે જ્યાં સુધી ગેરકાયદે રેતી ખનન બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ લોકશાહી ઢબે પોતાનો વિરોધ ચાલુ રાખશે.

