Rajkot,તા.11
રાજકોટના મેટોડા ખાતે ઉત્પાદીત અને સૌરાષ્ટ્ર-ગુજરાતની જાણીતી જુદી જુદી નમકીન ઉત્પાદિત ‘ગોપાલ સ્નેકસ’નાં પાપડમાંથી જીવાત નીકળતા ભારે ચકચાર મચી ગયાનું બહાર આવેલ છે.
આ પ્રશ્ને આજે રાજકોટ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પાપડ ખરીદનાર એક ગ્રાહક દ્વારા ફરીયાદ કરાતા તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ માલ સિઝ કરી દીધો છે.
આ અંગેની રાજકોટ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ તાજેતરમાં રાજકોટનાં એક ગ્રાહકે સાધુ વાસવાણી રોડ પર આવેલ ગંગોત્રી ડેરીમાંથી ગોપાલ સ્નેકસનાં પાપડનું પેકેટ લીધુ હતું અને આ પેકેટ ખોલ્યુ ત્યારે તેમાંથી મરેલી જીવાત નીકળી હતી.
પાપડમાંથી આ જીવાત મળતા ગ્રાહકે રાજકોટ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરીયાદ કરી હતી. આ ફરીયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગત તા.9-12 ના રોજ મે.ગોપાલ સ્નેકસ લી.ની મેટોડા સ્થિત ફેકટરી ખાતે તપાસ હાથ ધરી હતી અને ઉત્પાદીત સ્થળેથી પાપડના 3, હિંગનો-1, અને મરીફડાનો-1, મળી કુલ પાંચ નમુના લેવામાં આવેલ હતા અને આ તમામ સેમ્પલોને લેબોરેટરી ચકાસણી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોકલી આપેલ છે.
તેમજ આ સાથે જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેકટરી ખાતે તપાસ દરમ્યાન આશરે રૂા.9 લાખની કિંમતનો શંકાસ્પદ રો-મટીરીયલ્સ અને માલનાં જથ્થાને સીઝ કર્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ સેમ્પલોનો લેબોરેટરી રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.