New Delhi,તા.18
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટ મુદ્દે બળાપો કાઢ્યો છે. તેમણે આ ચાર્જશીટને ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, તેમના બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર (ભાજપ) હેરાન કરી રહી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, ‘મારા બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર હેરાન કરી રહી છે. આ ચાર્જશીટ ષડયંત્રનો એક ભાગ છે. હું રોબર્ટ, પ્રિયંકા, અને તેના બાળકો સાથે છું. કારણકે, તે દુર્ભાવનાપૂર્ણ, રાજકીય રૂપે પ્રેરિત આરોપો અને શોષણનો સામનો કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, તેઓ કોઈપણ પ્રકારના અત્યાચારનો હિંમતથી સામનો કરવા સક્ષમ છે. તેઓ હંમેશાની જેમ સન્માન સાથે આ સહન કરશે. અંતે સત્યની જીત થશે.’એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ગઈકાલે ગુરૂવારે રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ શિકોહપુર જમીન સંબંધિત મની લોન્ડરિંગ મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઈડીએ રોબર્ટ વાડ્રા અને તેમની પત્નીની રૂ. 37.64 કરોડની 43 સંપત્તિને ટાંચમાં લીધી છે. EDએ રોબર્ટ વાડ્રા અને અન્ય 10 વ્યક્તિ-કંપની વિરૂદ્ધ પણ મની લોન્ડરિંગની ફરિયાદ નોંધી છે. જેમાં સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રા.લિ., કારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા.લિ., સત્યનંદ યાજી અને કેવલ સિંહ વિર્ક સહિત અન્ય સામેલ છે.
ઈડીની ચાર્જશીટ અનુસાર, વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટીએ ગુરૂગ્રામ જિલ્લાના શિકોહપુર ગામમાં 3.53 એકર જમીન ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી રૂ. 7.5 કરોડમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરી ખરીદી હતી. તેમણે લાગવગનો ઉપયોગ કરી જમીન પર કોર્પોરેટ લાઈસન્સ હાંસલ કર્યું હતું.