૨૦૨૪-૨૫માં જીએસટી ચોરીના નોંધાયેલા કુલ ૩૦૦૫૬ કેસમાંથી ૧૫૨૮૩ કેસ આઈટીસી ફ્રોડના હતા
નવી દિલ્હી, તા.૪
દેશના કર માળખામાં પારદર્શિતા તેમજ કરચોરી અટકાવવા લાગુ કરવામાં આવેલી વન નેશન વન ટેક્સ સિસ્ટમ જીએસટીમાં જ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી)ના ફિલ્ડ અધિકારીઓએ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૭.૦૮ લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢી છે. જેમાં રૂ. ૧.૭૯ લાખ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ પણ સામેલ હોવાનું આજે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું.
નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આંકડાઓ રજૂ કરતાં કહ્યું કે, ૨૦૨૪-૨૫માં રૂ. ૨.૨૩ લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દેશમાં કુલ રૂ. ૭.૦૮ લાખ કરોડની જીએસટી ચોરી થઈ હતી. જે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા તેના વાર્ષિક બજેટ કરતાં બમણી છે. નોંધનીય છે, ગુજરાત સરકારે ૨૦૨૪-૨૫માં રૂ. ૩.૩૨ લાખ કરોડ અને ૨૦૨૫-૨૬ માટે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ ફાળવ્યું હતું. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીએસટી ચોરીના નોંધાયેલા કુલ ૩૦૦૫૬ કેસમાંથી ૧૫૨૮૩ કેસ આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતાં. જેમાં રૂ. ૫૮૭૭૨ કરોડની આઈટીસી ચોરી થઈ હતી. ૨૦૨૩-૨૪માં પણ સીજીએસટીના ફિલ્ડ અધિકારીઓએ રૂ. ૨.૩૦ લાખ કરોડની જીએસટી ચોરી પકડી પાડી હતી. જેમાં રૂ. ૩૬૩૭૪ કરોડનું આઈટીસી ફ્રોડ સામેલ હતું.
જીએસટીના અમલીકરણને કુલ આઠ વર્ષ થયા છે. કર નીતિઓને સરળ બનાવવા તેમજ પારદર્શિતા વધારવા ૨૦૧૭માં લાગુ જીએસટીમાં ફ્રોડનું પ્રમાણ પણ સમય જતાં વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની તુલના કરીએ તો જીએસટી કલેક્શનની સાથે સાથે જીએસટી ચોરીનો આંકડો પણ ૧ લાખ કરોડની સપાટી વટાવી ગયો છે. સાથે સાથે ફેક ઈનપુટ ટેક્સ ક્રેડિટનું પ્રમાણ પણ વધ્યું છે.
ચૌધરીએ જીએસટી ચોરી વિશે આંકડાઓ રજૂ કરતાં અંતે કહ્યું હતં કે, કેન્દ્ર સરકાર અને જીએસટીએન આ ટેક્સ ચોરીને અટકાવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. જેના માટે ઈ-ઈનવોઈસિંગ, જીએસટી એનાલિટિક્સ મારફત ડિજિટાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. સિસ્ટમ-ફ્લેગ મિસમેચના આધાર પર આઉટલેયરને ઉજાગર કરવુ, સ્ક્રૂટિની માટે રિટર્નની પસંદગી અને કાર્યવાહી વિશે જાણકારી આપવી, તેમજ જોખમના વિવિધ માપદંડો પર ઓડિટના આધારે કરદાતાઓની પસંદગી કરવી વગેરે સામેલ છે. આ પગલાંઓ જીએસટી ચોરી કરનારાઓ પર અંકુશ લાદી પકડી પાડે છે.