Kolkata, તા. 22
IPL 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે હોમ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 39 રને જીત મેળવી હતી. ગુજરાતે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચેની રેકોર્ડ છઠ્ઠી 100 પ્લસ રનની પાર્ટનરશિપના આધારે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 198 રન ફટકાર્યા હતા.
199 રનના ટાર્ગેટ સામે કલકત્તા આઠ વિકેટ ગુમાવીને 159 રન જ કરી શક્યું હતું.. ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર હતી અને બન્નેમાં ગુજરાતે બાજી મારી છે. ડિકેનિંગ ચેમ્પિયન કલકત્તા સામે ગુજરાતે ચેમ્પિયન જેવી રમત બતાવીને પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કલકત્તાની બેટિંગ સમયે પહેલી ઓવરથી જ ગુજરાતના બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો. ખરાબ ઓપનિંગ બાદ કેપ્ટન અજિંક્ય રહાણે (35 બોલમાં 50 રન) એ બીજી વિકેટ માટે સુનીલ નારાયલ (13 બોલમાં 17 રન) સાથે અને ત્રીજી વિકેટ માટે વાઈસ-કેપ્ટન વેન્કટેશ ઐયર (19 બોલમાં 14 રન) સાથે 41-41 રનની પાર્ટનરશિપ કરીને ટીમની ઈનિંગ્સ સંભાળી હતી.
ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (15 બોલમાં 21 રન) અને અંગક્રિશ રઘુવંશી (13 બોલમાં 27 રન અણનમ) ની પ્રભાવશાળી ઇનિંગ્સ છતાં કલકત્તા ટાર્ગેટની નજીક પહોંચી શક્યું નહોતું. ગુજરાત માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને સ્પિનર રાશિદ ખાને સૌથી વધુ બે-બે વિકેટ ઝડપી હતી.
ઓરેન્જ કેપ અને પર્પલ કેપ બન્ને હવે ગુજરાત પાસે
ગુજરાતના ઓપનર સાઈ સુદર્શન (415 રન) સાથે ઓરેન્જ કેપ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (16 વિકેટ) પર્પલ કેપ હોલ્ડર છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી લખનઉના નિકોલસ પૂરન (368 રન) અને ચેન્નઈનો સ્પિનર નૂર અહમદ (12 વિકેટ) આ રેસમાં સૌથી આગળ હતા.