Rajkot,તા.17
ભારત સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા વકફ બોર્ડની પ્રોપર્ટીને લગત ઉમ્મીદ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે. જે ઉમ્મીદ પોર્ટલમાં વકફ બોર્ડમાં દેશભરમાં નોંધાયેલી મસ્જીદો, મદ્રેસાઓ, દરગાહો, કબ્રસ્તાન, મકાન, દુકાનો સહિતની મિલ્કતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.
રજીસ્ટ્રેશન માટેનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય તેમજ આ પોર્ટલમાં ડોકયુમેન્ટ સબમીટ કરવા માટેની યોગ્ય સમજણ ન હોય તે બાબતે માઇનોરિટી ચેરમેન યુનુસભાઇ જુણેજા અને અસીમભાઇ અઘામ દ્વારા વકફ બોર્ડના ડિરેકટર આસીફભાઇ સલોતને રજુઆત કરવામાં આવી હતી.
જે બાબતે ડિરેકટર આસીફભાઇ સલોત દ્વારા આ રજુઆતને ધ્યાને લઇ ગાંધીનગર વકફ બોર્ડના ચેરમેન મોહસીનભાઇ લોખંડવાલાનું ધ્યાન દોરતા તેમના દ્વારા ઉમ્મીદ પોર્ટલમાં ડોકયુમેન્ટ કેવી રીતે સબમીટ કરવા તે બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી વકફ બોર્ડ દ્વારા તા.12-11-2025ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે ઘાંચી જમાતખાના, રામનાથ પરા ખાતે વકફ બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હબીબભાઇ કટારીયા, મહેબુબભાઇ અજમેરી, ફારૂકભાઇ બાવાણી, ઇમરાનભાઇ પરમાર, અજીતભાઇ જુણેજા, ઇમરાનભાઇ મેમણ, હારૂનભાઇ, સરફરાજભાઇ, વાંકાનેરના સી.એ.જાહીદભાઇ ગઢવારા સહિતના અગ્રણીઓ તેમજ અલગ-અલગ મસ્જીદો, દરગાહ, મદ્રેસા, જમાતખાના સહિતના ઇદારાઓના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.

