Gujarat,તા.07
રાજ્યભરમાં ઠંડીએ પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું છે. એવામાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી બે દિવસ રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે. ગત રાત્રે કચ્છના નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ 8.2 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયું હતું. આમ, એક દિવસમાં રાજકોટના સરેરાશ લધુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના છે.
અમદાવાદમાં પડશે કાતિલ ઠંડી
આ સિવાય જ્યાં ઠંડીનો ચમકારો વઘુ અનુભવાયો તેમાં અમરેલી, પોરબંદર, ભુજ, ગાંધીનગર, ડીસા, દાહોદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ગત રાત્રિના 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે ગુરુવાર સુધી અમદાવાદમાં કાતિલ ઠંડી પડી શકે છે.
ક્યાં વધારે ઠંડી?
શહેર | તાપમાન |
નલિયા | 06.4 |
રાજકોટ | 08.2 |
અમરેલી | 10.6 |
પોરબંદર | 10.6 |
ભુજ | 10.8 |
ગાંધીનગર | 11.7 |
ડીસા | 12.1 |
દાહોદ | 12.9 |
કંડલા | 13.0 |
અમદાવાદ | 13.5 |
ભાવનગર | 13.6 |
ડાંગ | 13.8 |
વડોદરા | 14.2 |
દ્વારકા | 14.6 |
સુરત | 16.2 |