Gujarat, તા. 18
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો રાષ્ટ્રીય રાજકારણ પર અસર કરશે તો ગુજરાતમાં વાવ ધારાસભા બેઠકની પેટાચૂંટણી રાજયના રાજકાર પર ચોકકસ અસર કરશે તેવા સંકેત છે એક પેટા ચૂંટણીએ ભુતકાળમાં રાજયમાં ભાજપને જ નેતૃત્વ પરિવર્તનની ફરજ પાડી હતી. જોકે વાવ તે હદે રીએકશન આપશે નહીં તેવા સંકેત છે. તેમ છતાં પણ ખુદ રાજય સરકાર અને ભારતીય જનતા પક્ષને પરિણામનું સસ્પેન્સ સતાવી રહ્યું છે અને તેથી જ વાવ ચૂંટણી પૂરી થતા જ તેમાં હારજીત અંગે એક માઇક્રો સર્વે કરવામાં આવ્યો હોવાનો સંકેત છે.
તેમાં વાવના મત વિસ્તારના બુથ સુધીના મતોનું વિભાજન કઇ રીતે થયું અને કોણ એડવેન્ટેજમાં છે તે અંગે ભાજપ દ્વારા એક માઇક્રો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં બુથમાં બેઠેલા ભાજપના ચૂંટણી એજન્ટો ઉપરાંત પોલીંગ બુથના સ્ટાફની પણ મદદ લેવામાં આવી હોવાના સંકેત સાંપડયા છે અને તેમાં વાવની હારજીત અત્યંત સાંકળી હશે અને તે પાંચ હજાર કે તેની આસપાસની હશે. જોકે 2022માં પણ ગેનીબેને મોટી જીત મેળવી ન હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે દરેક વિસ્તારવાઇઝ અને જ્ઞાતિવાઇઝ પણ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે પ્રચાર કર્યો હતો. તે કેટલો કારગર નીવડયો છે તેનો પણ અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં આટલી મહેનત શાસક પક્ષ કરતો હોતો નથી. સિવાય કે કોઇ મુખ્યમંત્રી વિધાનસભામાં પ્રવેશ માટે ચૂંટણી લડતા હોય ભુતકાળમાં રાજકોટે જ આ રીતે પહેલા નરેન્દ્ર મોદી અને બાદમાં વિજય રૂપાણીની પેટા ચૂંટણીઓમાં સરકારને અને ભાજપને આટલો સક્રિય જોવા મળ્યો હતો તે વાવમાં પુનરાવર્તન થયું છે.
ભલે મુખ્યમંત્રી ચૂંટણી ન લડતા હોય તો પણ તેવી જ સ્થિતિ બની હતી. ખુદ સીએમ કે જેઓ સામાન્ય રીતે પેટાચૂંટણીથી દુર રહે છે તેઓ પણ પ્રચાર કરી ગયા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ વાવ કેન્દ્રીત હતા અને અડધુ મંત્રીમંડળ અને ભાજપ સંગઠનના તમામ ટોચના પદાધિકારીઓ પ્રચારમાં જોડાયા હતા. જેથી આ બેઠકનું મહત્વ સમજી શકાય છે.
સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય જંગ ઠાકોર સમુદાયના મતોનો હતો. ભાજપે ઠાકોર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી તે પૂર્વે અનેક દાવેદારો હતા જયારે ગેનીબેન ઠાકોર માટે આ ચૂંટણી તેનું રાજકારણ જાળવી રાખવા માટે મહત્વની હતી જેમાં ભાજપની ગણતરી મુજબ ઠાકોર ઉમેદવાર હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઠાકોર મતો ફિફટી-ફિફટીથી થોડા વધુ એટલે કે 65:35ના રેશીયામાં ભાજપ અને કોંગ્રેસને મળ્યા છે.
બીજો સૌથી મોટો મુદો ચૌધરી મતોનો હતો જયારે ખુદ મારવાડી ચૌધરી માવજીભાઇ પટેલ મેદાનમાં હતા અને તેઓએ ચૌધરી સમાજ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો અને તેમાં થયેલ અભ્યાસ મુજબ 80:ર0નો ગાળો રહ્યો છે. એટલે કે માવજી પટેલ ચૌધરી સમાજના 80 ટકા મતો મેળવી ગયા છે જયારે 20 ટકા બહુમતી મતો ભાજપને મળ્યા હોવાનું અનુમાન લગાવાયું છે. જયારે મુસ્લિમ મતોમાં 100 ટકા એડવેન્ટેજ કોંગ્રેસ રહી હોય તેવું ભાજપે સ્વીકારી લીધુ છે.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતએ પોતાના રાજપુત સમાજના મતો કે 20 હજારથી વધુ છે તેના પર મુસ્તાક હતા અને ઠાકોર+રાજપુત+મુસ્લિમ+દલીત આ ફેકટર ઉપર કોંગ્રેસે પોતાની જીત હોવાનું દર્શાવ્યું હતું તો સર્વેમાં જાણવા મળ્યું છે કે 70 ટકા રાજપુત મતો કોંગ્રેસને ગયા છે. જયારે 30 ટકામાં માવજીભાઇએ થોડો હિસ્સો પડાવ્યો છે. સૌથી મહત્વનુ દલીત મતોમાં કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણીને આખરી દિવસોમાં એકશનમાં લાવીને દલીત મતો તેની સાથે આવે તેવી ચિંતા કરી હતી પણ માવજીભાઇ થોડુ ગણીત બગાડે તેવી શંકા છે.
વાસ્તવમાં માવજીભાઇના વતન અને તેના આસપાસ દલીતોની મોટી સંખ્યા છે અને તેથી જ તેમાં તેઓ થોડા મતો મેળવી જાય તે શકય છે. તો બે મુખ્ય સમુદાય રબારી સમાજ અને બ્રાહ્મણ સમાજના મતો નિર્ણાયક બનશે. રબારી સમાજમાં કોંગ્રેસના ઠાકરશી રબારી સતત અસંતુષ્ટ હતા છેલ્લે તેઓ માની ગયા હોય તેવું મનાતું હતું પણ તે બંધબાજી છે. ઠાકરશીભાઇ કોંગ્રેસ માટે કેટલા મતો લઇ આવ્યા હોય તે પ્રશ્ન છે. એક તબકકે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી. જયારે બ્રાહ્મણ મતો જે ચાર હજારની આસપાસ છે તે પણ વહેંચાઇ ગયા હોય તેવું માનવામાં આવે છે.
આ ઉપરાંત આ સર્વેમાં જિલ્લા પંચાયત વિસ્તારના પ્રભાવ, સરકારી યોજનાઓના મુદે પણ એડવેન્ટેજ ભાજપ હોવાનો દાવો આ પક્ષે કર્યોે છે પરંતુ અંતિમ પરિણામ તા. ર3ના રોજ કેવું હશે તે સૌના માટે રસપ્રદ ઇન્તેજાર બની ગયો છે.
વાવમાં કોંગ્રેસે ખેલ પાડી દીધો ! વાયરલ ફોટો સૂચક
વાવમાં મતદાન બાદ એક ફોટો વાયરલ થયો છે જેમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપુત અને માવજી પટેલ સાથે જમતા દેખાઇ રહ્યા છે અને તે ફોટો બહાર આવતા જ માવજીભાઇ પટેલએ કોંગ્રેસના કહેવાથી ચૂંટણી લડયા હતા અને આક્રમક રીતે લડયા તેવું ભાજપ જે આક્ષેપ કરતો હતો તેને સમર્થન મળ્યું છે. અગાઉ શંકર ચૌધરીએ એક સભામાં કહ્યું હતું કે કોંગ્રેસ જીતી શકે તેમ નથી તેથી અપક્ષ ઉમેદવારની મદદ લીધી છે.
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુકિત બાદ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ મળશે!
વાવ પૂરી થયા બાદ સરકાર અને સંગઠન સ્થાનિક ચૂંટણીઓની કામગીરીમાં સક્રિય થઇ જશે : મહારાષ્ટ્ર ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ આવશે
ગુજરાતમાં ભાજપના સંગઠનની નવરચનાનું બુથલેવલથી કામ શરૂ થઇ ગયુ છે અને તે સમયે રાજયમાં પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય આખરી તબકકામાં હશે તેવું માનવામાં આવે છે. પરંતુ ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ એક વખત રાષ્ટ્રીય પ્રમુખની નિયુકિત થઇ જાય ત્યારબાદ ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
હાલના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુદત ગત વર્ષે જુલાઇમાં પૂરી થઇ હતી પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ટર્મ એક વર્ષ વધારવામાં આવી હતી અને હાલ તેઓ ઈન્ચાર્જ હોવા છતાં પણ પૂરી તાકાતથી વાવ ચૂંટણી ઉપરાંત સંગઠનની ચિંતા કરે છે. પરંતુ પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હવે ડિસેમ્બર માસમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તે ડિસેમ્બરમાં જ યોજાશે અને ગ્રામીણથી લઇ શહેરી ક્ષેત્રમાં આ ચૂંટણી મહત્વની છે.
તેથી નવા પ્રદેશ પ્રમુખ અને નવું સંગઠન માળખુ તેમાં પૂરી રીતે એકશનમાં આવી શકે કે કેમ તે પણ પ્રશ્ન છે અને તેથી ગુજરાતથી આ સ્થાનિક ચૂંટણીમાં કોઇ ખોટો સંદેશો જાય તેવું ભાજપ ઇચ્છતું નથી. સુત્રોના જણાવ્યા મુજબ અને તેથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિયુકિત બાદ ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે.