Gandhinagar,તા.૨૫
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા આહિર ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો અનુસાર, ભરવાડે નાફેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓને સમય આપવા અને તેમની અન્ય જવાબદારીઓ નિભાવવા માટે આ નિર્ણય લીધો છે. જેઠા ભરવાડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભાજપ અનેક સંગઠનાત્મક ફેરફારો અને નવી જવાબદારીઓમાંથી પસાર થઈ રહ્યું છે.
જેઠા આહિર મધ્ય ગુજરાતમાં એક અગ્રણી સહકારી નેતા તરીકે જાણીતા છે અને સહકારી ક્ષેત્રમાં તેમનો મજબૂત પ્રભાવ છે. તેઓ અબડાસા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે તેમના સહકારી કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રદેશમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે રાજીનામું આપ્યું છે. જેઠા ભરવાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં રાજીનામું આપ્યું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની હાજરીમાં જેઠા ભરવાડે પોતાનું રાજીનામું સુપરત કર્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું. આમ, વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ હવે ખાલી છે.
રાજીનામું આપવા અંગે જેઠા ભરવાડે કહ્યું તે તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે રાજીનામા વિશે કોઈ વિખવાદ નથી. અત્રે જણાવવાનું કે તેઓ પંચામૃત ડેરીના ચેરમેન પણ છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેઠા ભરવાડ ભાજપના સ્વીકૃત નેતા છે, “સમયની વ્યસ્તતાના કારણે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે. અગાઉ પણ જેઠા ભરવાડે રાજીનામા માટે રજૂઆત કરી હતી, આજે પાર્ટીએ જેઠા ભરવાડની વાત સ્વીકારી રાજીનામાનો સ્વીકાર કર્યો, પાર્ટીમાં વરિષ્ઠ વડીલ તરીકે જેઠા ભરવાડ એક્ટિવ રહેશે”

