Dakor,તા.૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક મકાનની દીવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત ઘટનાસ્થળેજ મોત થઈ ગયું છે. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ડાકોરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ ડાકોરના ગોપાલપુરા સ્થિત ’તારાબાઈના બાગ’ વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત મકાન તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ જોખમી કામગીરીમાં મજૂરો વ્યસ્ત હતા, ત્યારે અચાનક એક મકાનની દિવાલ તૂટી પડી. આ દુર્ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા ૩૩ વર્ષીય શ્રમિક અમિત મહિડા દીવાલના ભારેખમ કાટમાળ નીચે દબાઈ જતાં મોત થયું છે.
આસપાસના લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક અમિત મહિડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

