Rajkot, તા. 9
આવતીકાલે ગુરૂપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસ છે. પ્રથમ ગુરૂ, માતા-પિતા, બીજા વિદ્યાગુરૂ, ત્રીજા સદ્ગુરૂ તથા ચોથા સ્વયં ગુરૂ અર્થાત પોતાના આત્માને ઓળખે ગુરૂ માર્ગ હોઇ શકે ધ્યેય નહિ. ધ્યેય તો સ્વયં સિધ્ધ કરવો પડે.
જે શિષ્યના કાનમાં જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરે તે ગુરૂ, એટલે જ જણાવાયું છે કે ‘ઉત્તમ કલ્યાણ માર્ગને જાણવાની ઇચ્છાવાળા સાધકે શબ્દ બ્રહ્મ અને પરમબ્રહ્મના નિષ્ણાંત, પરમ શાંત એવા ગુરૂના શરણે જવું આવા સદ્ગુરૂનો મહિમા જ અનેરો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલે ગુરૂપૂર્ણિમા ઉત્સવ અનેરી શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવાશે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ગામો અને શહેરોમાં ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂવંદના કાર્યક્રમો યોજાયા છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ સ્થાન પરમધામ, બગદાણા, વીરપુર જલારામ બાપાના સ્થાનક, ગોંડલ ભુવનેશ્વરી પીઠ, સદગુરૂ આશ્રમ-રાજકોટ, કબીર આશ્રમ, ગુરૂદ્વારા ચોટીલા ધારશી વીરજી ભગતની જગ્યા પાળીયાદ, શ્રી લાલબાપુના સાંનિધ્યમાં ગાયત્રી આશ્રમ ગધેથડ સહિતના વિવિધ સ્થાનો પર આવતીકાલે ગુરૂવંદના કાર્યક્રમો યોજાશે.
ચોટીલા
ચોટીલામાં ધારશી વીરજી ભગતની જગ્યાએ આવતીકાલ તા.10મીના ગુરૂપૂર્ણિમા નિમિતે સવારે 8.30 કલાકે સમાધિપૂજન, સવારે નવ વાગે આરતી, ત્યારબાદ સત્સંગ, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. મહાપ્રસાદના લાભાર્થી વલ્લભભાઇ કાનાણી, કલ્પેશભાઇ કાનાણી પરિવાર છે. તેમ મહંત હરિપ્રસાદજી સુખરામજી તથા લઘુ મહંત અભય હરિપ્રસાદજીએ જણાવેલ છે.
વાંકાનેર
વાંકાનેરમાં આવતીકાલે તા. 10ને ગુરૂવારના રોજ રાજકોટ રોડ પર આવેલ રઘુવંશી રોડ પર આવેલ સદ્ગુરૂ દેવ શ્રી પ.પૂ. હરિચરણદાસજી મહારાજ પ્રેરીત શ્રી સદગુરૂ આનંદ આશ્રમમાં આવેલ સદગુરૂ દેવશ્રી પ.પૂ.રણછોડદાસજી બાપુના સ્મૃતિ મંદિર ખાતે આવતીકાલે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ત્રિવિધ કાર્યક્રમ થકી ભકિતભાવ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
સદગુરૂ દેવશ્રી મહામંડલેશ્વર શ્રી 1008 પ.પૂ.હરિચરણદાસજી બાપુના અંતરિક્ષ આશિર્વાદ તથા ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂજય જયરામદાસજી મહારાજના આશિર્વાદથી તા. 10ને ગુરૂવારના રોજ સદગુરૂ આનંદ આશ્રમ ખાતે કાર્યક્રમના પ્રારંભે સવારે મંગળા આરતી તથા સાંજે 5 થી 8 પૂજય ગુરૂદેવના પાદુકા પુજન (શિષ્ય પરિવાર) માટે તથા વાંકાનેરનું ખ્યાતનામ શ્રી શ્યામ ધુન મંડળના કલાકારો દ્વારા સાંજ 6 થી 8 ધુન-ભજન-કિર્તનની રમઝટ બોલાવશે.
ત્યારબાદ રાત્રે આઠ (8) કલાકે પૂજય ગુરૂદેવની મહાઆરતી ત્યારે સમગ્ર વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા સદગુરૂ શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે તો તમામ સદગુરૂ શિષ્ય પરિવારો સહપરિવાર સાથે ઉપરોકત તમામ કાર્યક્રમોનો દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેર આમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું. આજના આ કાર્યક્રમના યજમાન પદે તથા મહાપ્રસાદના આયોજનના યજમાન પદે સદગુરૂ શિષ્ય પરિવારો રહેશે.