ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઓફિસના કહેવા પ્રમાણે, અત્યારે તો હમાસે મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી મોકલી નથી
Hamas, તા.૭
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હવે શાંતિના સંકેત દેખાઈ રહ્યા છે. આ અંતર્ગત પહેલીવાર હમાસે ઈઝરાયેલના બંધકોને છોડવા માટેની તૈયારી દર્શાવી છે. હમાસ પ્રથમ તબક્કામાં ૩૪ બંધકોને મુક્ત કરશે. એમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓ સામેલ છે. આમાં જીવતા કે મરી ચૂકેલાં બંધકોનો સમાવેશ કરાશે. હમાસના એક સભ્યે જણાવ્યું કે, બંધકોને મુક્ત કરવા માટે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. ઈઝરાયેલે બંધકોની એક યાદી પણ મોકલી હતી. જોકે, આ પ્રક્રિયામાં હમાસને એક સપ્તાહનો સમય લાગશે. આ દરમિયાન કિડનેપર્સ જીવતા અને મૃત કેદીઓની ઓળખ કરાશે.ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઓફિસના કહેવા પ્રમાણે, અત્યારે તો હમાસે મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી મોકલી નથી. ઉલ્લેખનીય છે કે, સાતમી ઓક્ટોબર ૨૦૨૩એ હમાસે ગાઝા બોર્ડરની પાસેના કેટલાક ઈઝરાયેલના વિસ્તારોમાં હુમલો કરીને ૨૫૪ લોકોને બંધક બનાવી લીધા હતા. હમણા સુધી કુલ ૧૫૦થી વધુ બંધકોને છોડવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ૧૦૦ જેટલા બંધકો હમાસની કેદમાં છે. ઈઝરાયેલની સેનાએ ૩૪ બંધકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. ગાઝામાં યુદ્ધવિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે કતરમાં ઈઝરાયેલ અને હમાસના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. બંને પક્ષોમાં સમજૂતી માટે અમેરિકા, કતાર અને ઈજિપ્ત કેટલાય મહિનાઓથી મધ્યસ્થી કરી રહ્યા હતા.