New Delhi,તા.26
બંધારણની કલમ 51 એ ભારતનાં નાગરિકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું સુચન કરે છે.પરંતુ આપણા નેતાઓ કયારેક અવૈજ્ઞાનિક નિવેદન કરી નાખતા હોય છે.
તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે અંતરિક્ષ દિવસના અવસરે વિદ્યાર્થીઓને સંબોધનમાં હનુમાનજીને પ્રથમ અંતરિક્ષ યાત્રી કહેતા વિવાદ જાગ્યો છે. તેમના આ નિવેદન સામે ડીએમકેનાં સાંસદ કનિમોઝીએ વાંધો ઉઠાવીને આ નિવેદનને વૈજ્ઞાનિક અભિગમનું અપમાન ગણાવ્યું હતું.
શનિવારે પીએમ નવોદય વિદ્યાલયમાં પેખુબેલામાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે અંતરિક્ષ દિવસ પર બાળકોને સંબોધીત કર્યા હતા.
આ દરમ્યાન તેમણે બાળકોને પૂછયુ હતું કે અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યકિત કોણ હતું? જેના જવાબમાં બાળકોએ કહ્યુ હતું કે નીલ આર્મ સ્ટ્રોંગ ત્યારે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અંતરિક્ષની યાત્રા કરનાર પ્રથમ વ્યકિત હનુમાનજી હતા.
અનુરાગ ઠાકુરનાં આ નિવેદન પર હવે વિપક્ષોએ તેમના પર નિશાન સાધ્યુ છે. અનુરાગ ઠાકુરની આ ટિપ્પણી પર ડીએમકે સાંસદ કનિમોઝીએ સોશ્યલ મિડિયા પર પ્રતિક્રિયા લખ્યુ છે. એક સાંસદનું આ નિવેદન ખૂબ જ પરેશાન કરનારૂ છે.
કનિમોઝીએ આગળ લખ્યુ કે વિજ્ઞાન કોઈ પૌરાણીક કથા નથી. શાળાઓમાં બાળકોને ગેરમાર્ગે દોરવા જ્ઞાન, તર્ક, અને આપણા બંધારણમાં નિહિત વૈજ્ઞાનિક અભિગમની ભાવનાનું અપમાન છે.