Mumbai તા.25
પૂર્વ દિગ્ગજ સ્પિનર અને વર્તમાનમાં કોમેન્ટેટર હરભજન સિંહ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. હરભજને સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન જોફ્રા આર્ચર વિરુદ્ધ રંગભેદી ટિપ્પણી કરી હતી.
આ મેચમાં જોફ્રા આર્ચરના બોલની ખૂબ ધોલાઈ થઈ હતી. આર્ચરે પોતાની ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. બીજી તરફ હવે હરભજન સિંહની કોમેન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે ચાહકો ખૂબ રોષે ભરાયા છે અને વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
હરભજનની ટિપ્પણીનો મામલો હૈદરાબાદની ઈનિંગ્સની 18મી ઓવરનો છે. તે સમયે જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન બેટિંગ કરી રહ્યા હતા. 18મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ક્લાસેને સતત બાઉન્ડ્રી ફટકારી.
આ દરમિયાન હરભજને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, ’લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ભાગે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ભાગે છે.’ હવે આ મામલે સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ રોષે ભરાયા છે.