Mumbai, તા.11
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ટીમ દ્વારા ટ્રોફી મંદિરમાં લઈ જવા અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. આ મામલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદના નિવેદન બાદ, ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે હવે આકરી પ્રતિક્રિયા આપી છે.
ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ, ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહે અમદાવાદમાં હનુમાન મંદિરની મુલાકાત લીધી અને ટ્રોફી સાથે પ્રાર્થના કરી.
આ ઘટના બાદ, કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પર પ્રશ્નેો ઉઠાવ્યા, અને પૂછ્યું કે ટ્રોફી ફક્ત મંદિરમાં જ કેમ લઈ જવામાં આવી? તેમણે પૂછ્યું કે તેને મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં કેમ ન લઈ જવામાં આવી. કીર્તિ આઝાદે કહ્યું કે આ ટ્રોફી ફક્ત એક વ્યક્તિ કે સમુદાયની નથી, પરંતુ સમગ્ર દેશની છે. તેમનું માનવું છે કે ભારત જેવા વિવિધતાવાળા દેશમાં, બધા ધર્મોનું સન્માન થવું જોઈએ.
હરભજન સિંહે કીર્તિ આઝાદના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મુદ્દાનું બિનજરૂરી રીતે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ ખેલાડીને મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં શ્રદ્ધા હોય, તો તેઓ તેમની મુલાકાત લઈ શકે છે.
હરભજને કહ્યું કે જો ખેલાડીઓ તેમની શ્રદ્ધા અનુસાર ભગવાનને પ્રાર્થના કરે અને વિજય પછી આભાર માનવા માટે મંદિરમાં જાય, તો તેમાં શું ખોટું હતું? તેમણે એમ પણ કહ્યું કે રમતગમતની જીતની ઉજવણી કરવાને બદલે આવા નિવેદનો આપવા દુર્ભાગ્યપૂર્ણ છે.
હરભજન સિંહે કહ્યું કે,આ એક દુઃખદ વાત છે કે ભૂતપૂર્વ ક્રિકેટર હોવા છતાં, કીર્તિ આઝાદ આ મુદ્દાને રમતગમતને બદલે રાજકારણ સાથે જોડી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે વર્લ્ડ કપ જીત્યો છે અને દરેક વ્યક્તિએ આ સિદ્ધિની ઉજવણી કરવી જોઈએ.

