Gandhinagarતા.૧૦
ગાંધીનગર શહેર ખાતે ટાઉન હોલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ‘જીવન આસ્થા’ હેલ્પલાઇનની ૧૦ વર્ષની જ્વલંત સફળતાને બિરદાવી, હેલ્પલાઇનના સૌ કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ હેલ્પલાઇનની સેવામાં સદાય તત્પર રહેનાર મનોચિકિત્સકોને અભિનંદન પાઠવી તમામનું સન્માન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે.
આ હેલ્પલાઇનની સફળતાના ૧૦ વર્ષ અને રેકોર્ડબ્રેક કામગીરી અંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ગાંધીનગર જિલ્લા પોલીસે શરૂ કરેલી આ હેલ્પલાઇન આજે રાજ્યવ્યાપી બની છે. જેમાં હવે ગુજરાતથી જ નહિ, અન્ય રાજ્યોમાંથી પણ કોલ આવે છે અને તે નાગરિજોને પણ કાઉન્સેલીંગ કરી મૃત્યુના વિચારને મુળમાંથી નિકાળી નવી જિંદગી જીવવા બળ આપવામાં આવે છે. દસ વર્ષના કાર્યકાળમાં, આ હેલ્પલાઇન થકી દોઢ લાખથી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી સારું કામ કરતી ગુજરાતની સૌથી મોટી હેલ્પલાઇનનો રેકોર્ડ છે. આ દોઢ લાખ માત્ર કોલ જ નથી, દોઢ લાખ પરિવારોના મોભી, પરિવારનો ચિરાગ કે પરિવારની લક્ષ્મીને બચાવી લઇને આ દોઢ લાખ પરિવારોની ખુશીને જીવંત રાખવાનું કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવ્યુ છે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય ગુજરાત હતું જેને આ પ્રકારના પ્રયાસ કરીને લોકોના જીવન બચાવવાનું કાર્ય કર્યું છે. જિંદગી ખતમ કરવાનું વિચારતા નિરાશ લોકોને જીવન તરફ પાછા વાળવાનું આ કાર્ય સૌથી મોટું પૂણ્યનું કાર્ય છે. ગુજરાત પોલીસના અનેક સારા કાર્યો પૈકી જો કોઈ સવર્શ્રેષ્ઠ કાર્ય હોય તો તે લોકોના જીવ બચાવવાનું છે. તણાવ અને હતાશામાં સપડાઈને કોઈ વ્યક્તિ ટ્રેન પાસે, કોઈ કેનાલ પાસે, કોઈ પંખે દુપટ્ટો બાંધી કે કોઈ હાથમાં પોઈઝનની શીશી લઈને જ્યારે આપઘાત કરવાનું મક્કમતાથી વિચારી બેઠી હોય ત્યારે આવી વ્યક્તિને માનસિક સપોર્ટ સાથે સાથે કાઉન્સિલિંગ અને અન્ય તમામ જરૂરી મદદ પૂરી પાડી તેમને મોતના મોંમાંથી પાછું લઈને આવું તેનાથી મોટું કોઈ કાર્ય હોય ન શકે.
આ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરી રહેલી આ ટીમને આ હેલ્પલાઇનના વધુને વધુ અવેરનેસ અને ટેકનિકલ સપોર્ટ માટે ગુજરાત સરકાર તરફથી બજેટ ઉપરાંત આજે વધારાના રૂપિયા પાંચ કરોડ ફાળવવાની જાહેરાત મંત્રીએ કરી છે.
સરકારના પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે આ હેલ્પલાઇન એક નિઃશુલ્ક સેવા છે. પોલીસ વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓને નિમણૂક આપીને હતાશ નિરાશ લોકોને યોગ્ય કાઉન્સેલિંગ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યુ કે સરકારના આવા પ્રયત્નોથી જો એક પણ વ્યક્તિનું જીવન બચી શકે છે, તો આ પ્રોજેક્ટ પાછળ ખર્ચેલા તમામ પૈસા સાર્થક ગણાય છે.