હે ધનંજય ! તૂં આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર કેમકે સમત્વ એ જ યોગ કહેવાય છે.યોગ કોને કહેવાય તેની સ્પષ્ટતા આ શ્ર્લોકમાં કરી છે. કર્મનાં પરીણામોમાં સમભાવ રાખવો તે યોગ છે.આવા યોગમાં દ્રઢતા કર.દ્રઢતા વિના સ્થિરતા ન થાય. સ્થિર થયેલા ભક્તને યોગસ્થ કહ્યો છે.જીવનમાં બધા જ ક્ષેત્રમાં સફળતા મળે તેવી ખાતરી હોતી નથી. સફળતા-નિષ્ફળતાના બે પાટા ઉપર ગાડી ચાલતી હોય છે.બંન્નેમાં જે સ્વસ્થ થઇને સમભાવ રાખી શકે તે યોગી કહેવાય છે.
ગયા શ્ર્લોકમાં ફળની આશા વગર જ કામ કરવાનું કહ્યું તેનું અહિં સમર્થન કર્યુ છે.કોઇપણ કર્મમાં,કોઇપણ કર્મના ફળમાં,કોઇપણ સ્થળ, કાળ,ઘટના,પરિસ્થિતિ, અંતઃકરણ,બહિકરણ..વગેરે પ્રાકૃત વસ્તુમાં તારી આસક્તિ ના થાય તો જ તૂં નિર્લિપ્તતાપૂર્વક કર્મ કરી શકે છે.કામ કરીએ એટલે સફળતા અથવા અસફળતા મળે જ તેમાં સમાન ભાવ રાખવો.આ સમાન ભાવ એટલે શું? તે સમજવું જોઈએ.પ્રયત્ન મારો અને પરીણામ ઈશ્વરનું આ સમજવું એટલે સમત્વભાવ.મારી જવાબદારી છે ઉત્કૃષ્ટ કૃતિ કરવી તે છે.જેવી કૃતિ હશે તેવું પરીણામ મળશે અને તેની જવાબદારી મારી નથી પણ ભગવાનની છે.આપણું કામ તો આપણી પૂર્ણતઃ મહેનત કરવી તે છે પછી આપણે ચિંતા કર્યા વગર સૂઈ જવાનું.આમ જો કરશું તો આપણે સૂઈ જઈશું તો ચિંતા ભગવાન કરશે.આરંભ કરેલાનો અંત નથી એટલે કે કરેલું ફોગટ જતુ નથી.અહિં કરેલું અહિંયા અને આ જન્મે જ ભોગવવાનું છે.ભગવાન કોઈનો હિસાબ ઉધાર રાખતો નથી.કામ કરો અને પરિણામ મેળવો પણ જો પરિણામ માટે કામ કરશો તો પરિણામ નહિ મળે.
સિદ્ધિ-અસિદ્ધિમાં સમ બન્યા પછી સમતામાં નિરંતર અટલ-સ્થિર રહેવું એ જ યોગસ્થ થવાનું છે. આસક્તિનો ત્યાગ કરવાથી સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા થઇ જશે.બીજું સિદ્ધિ મળશે કે નહિ મળે તે જોવાની પણ મારે જરુર નહિ.લાખ પ્રયત્નો હશે અને ભગવાનની ઈચ્છા નહી હોય તો સિદ્ધિ મળશે નહિ અને થોડો પણ પ્રયત્ન હોવા છતાં ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ સિદ્ધિ મળશે તેથી “સિદ્ધિ” ને ધ્યાનમાં ન રાખતા કાર્યની વૃત્તિ અને કાર્યનાં પાવિત્ર્યને ધ્યાનમાં રાખવું જોઈએ તેને જ કહેવાય સમત્વ.
સમતા જ યોગ છે એટલે કે સમતા પરમાત્માનું સ્વરૂપ છે.તે સમતા અંતઃકરણમાં નિરંતર ચાલુ રહેવી જોઇએ.જેઓનું મન સમતામાં સ્થિર થઇ ગયું છે એ લોકોએ જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે કેમકે બ્રહ્મ નિર્દોષ અને સમ છે તેથી તેઓની સ્થિતિ બ્રહ્મમાં જ છે.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓને પોતાના માટે નહી પરંતુ ફક્ત સંસારની સેવારૂપે કરવાની છે-આમ કરવાથી સમતા આવી જાય છે.
સકામકર્મની અપેક્ષાએ સમબુદ્ધિની શ્રેષ્ઠતા બતાવતાં ભગવાન ગીતા(૨/૪૯)માં કહે છે કે..
દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનજ્જય
બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ
બુદ્ધિયોગ (સમતા) કરતાં સકામકર્મ દૂરથી અત્યંત જ નીચલી કક્ષાનું છે એટલે હે ધનંજય ! તૂં સમબુદ્ધિનો જ આશ્રય લે કેમકે ફળનો હેતુ બનનારા અત્યંત દીન છે.
બુદ્ધિયોગ એટલે કે સમતાની અપેક્ષાએ સકામભાવથી કર્મ કરવું એ અત્યંત નિકૃષ્ટ છે કારણ કે કર્મ પણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે તથા તે કર્મોના ફળનો પણ સંયોગ અને વિયોગ થાય છે પરંતુ યોગ (સમતા) નિત્ય છે.તેનો ક્યારેય વિયોગ થતો નથી,તેમાં કોઇ વિકૃતિ આવતી નથી.જો કર્મોમાં સમતા નહી રહે તો શરીરમાં અહંતા-મમતા થઇ જશે અને શરીરમાં અહંતા-મમતા હોવી એ જ પશુબુદ્ધિ છે. સમતામાં નિરંતર સ્થિર રહેવું એ જ એનું શરણ લેવું છે.સમતામાં સ્થિર રહેવાથી સ્વરૂપમાં પોતાની સ્થિતિનો અનુભવ થશે.કર્મોના ફળની ઇચ્છાવાળા બનવું એ અત્યંત નિકૃષ્ટ છે.કર્મ,કર્મફળ,કર્મસામગ્રી અને શરીર વગેરે કરણોની સાથે પોતાનો સબંધ જોડી દેવો એને જ કર્મફળનો હેતુ બનવું કહે છે.
કર્મફળ છોડીને કર્મ કરવાની વાત ચાલે છે.પહેલા ભગવાને કહ્યું કે સમત્વથી કર્મ કર-આ યોગ કહેવાય અને અહિં કહે છે કે આ ફળની આશા વગર કરેલા કર્મો જ ઉત્તમ છે કારણ કે તે માણસને ચોટતા નથી.ફળની આશા વગર કામ કરવું એ ઉત્તમ છે તેમ ગીતા કહે છે.આવું એક પણ કામ આપણે કર્યુ છે ખરૂં? આપણું દરેક કામ પહેલાં પરિણામ જ તપાસે છે.ફાયદો શું થશે? આ જ આપણું ગણિત છે.લાખો રૂપિયા ખર્ચીશું પણ નફો કેટલો મળશે? સમય પુરતો આપીશું પણ સંબંધ કેટલો કામ લાગશે? છોકરાને ખુબ ભણાવીશું પછી પગાર કેવો મળશે? તે છોકરી સાથે લગ્ન કરાવીશું પણ સન્માન કેટલું મળશે? આ જ આપણો વ્યવહાર છે.બધે જ ફાયદાવાદી શિક્ષણ મળે છે તેથી સમાજ નિસ્તેજ, નિર્વિર્ય અને નિરાશ થયો છે. “મળશે શું” ના લીધે માણસ “બનશે શું” તે જ નક્કી કરી શકાતું નથી.દરેક વાતનો વેપાર ચાલે છે.
ફળની ઈચ્છા વગર કામ કરવું તે જ કામ ભગવાન તરફ હોય શકે. નિષ્કામ કર્મ જ યોગ કહેવાય. સવારે વહેલા ઉઠી કપાલભાતિ કરવા એટલા પુરતો યોગ નથી પણ ભગવાન સાથે જોડાઈ જવું તે યોગ છે. સ્વાર્થથી કરેલા કામોથી મારો જીવનવિકાસ નથી પણ નિ:સ્વાર્થ રીતે ભક્તિ તરીકે કરેલાં કામો જ મારો વિકાસ છે.ભક્તિ એટલે ખુશામત નહિ પણ ભક્તિ એટલે સમજણ.મારો ભગવાનના લીધે દુનિયાનાં દરેક જીવ સાથે સંબંધ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

