New York,તા.11
અમેરિકામાં હવાઈ દુર્ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ જ રહ્યો છે ત્યારે વધુ એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં સ્પેનની સીમેન્સ કંપનીના સીઈઓ તથા પરિવાર સહિત 6 લોકોના મોત થયા હતા.
સ્પેનની સીમેન્સ કંપનીના સીઈઓ અગસ્ટિન એસ્કોબાર, તેમના પત્ની અને ત્રણ બાળકો હેલીકોપ્ટર પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ચકકર લગાવીને વોશિંગ્ટન બ્રીજ તરફ જતા હતા ત્યારે અચાનક હેલીકોપ્ટર ક્રેશ થતા હડસન નદીમાં ખાબકયુ હતુ. નદીમાં ડુબી જવાથી પરિવારના પાંચ સભ્યો તથા હેલીકોપ્ટર પાયલોટ સહિત 6 ના મોત થયા હતા.
આ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો હતો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત 6 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના 5 લોકોનો એક પરિવાર સામેલ છે.
ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે 2:59 વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ 15 મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા.