Ahmedabad,તા.18
ગુજરાત હાઈકોર્ટે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ મુલુભા પઢેરીયાની રેગ્યુલર જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે.
જસ્ટિસ એમ.આર. મેંગદેની કોર્ટે આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા તેને રૂપિયા 5,000 નો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે પઢેરીયાએ માઇકા ઇન્સ્ટિટ્યૂટ ના વિધાર્થી પ્રિયાંશુ જૈન ની ઘાતકી હત્યા કરી હતી. કાર ઝડપથી ચલાવવા જેવી નજીવી બાબતમાં આશાસ્પદ યુવાનને મોત ની ઘાટ ઉતારી નાસી ગયો હતો. પોલીસે તેનું પંજાબ થી ધરપકડ કરી હતી.
આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ નોંધાયો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નીચે મુજબના મહત્વના અવલોકનો કર્યા હતા.
ગુનાની ગંભીરતાઃકોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પોલીસ દળનો સભ્ય હોવા છતાં તેણે ગંભીર ગુનો આચર્યો છે. ઘટનાના દિવસે આરોપી બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો અને જ્યારે મૃતકે તેને ઠપકો આપ્યો, ત્યારે તેણે થોડે દૂર જઈને યુ-ટર્ન લીધો અને મૃતકનો પીછો કર્યો હતો. ત્યારબાદ ઝઘડો કરી મૃતકના શરીરના મહત્વના ભાગ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
મજબૂત પુરાવાઃફરિયાદી વિધાર્થી કે જે મૃતક સાથે હતો તેણે ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. વધુમાં, આરોપી પાસેથી મળી આવેલી છરીના FSL રિપોર્ટમાં મૃતકના બ્લડ ગ્રુપ સાથે મેચ થતું લોહી મળી આવ્યું હતું, જે તેની સંડોવણી સાબિત કરે છે.
જૂની અરજી પરત ખેંચ્યા બાદ ફરી અરજી કરવા પર કોર્ટની નારાજગી
આરોપી તરફથી વકીલે દલીલ કરી હતી કે આ ગુનો પૂર્વયોજિત (premeditated) ન હતો પરંતુ બોલાચાલી બાદ થયેલી ઘટના હતી, તેથી તેને ‘સાપરાધ મનુષ્યવધ’ (Culpable Homicide not amounting to murder) ગણવો જોઈએ.
જોકે, સરકારી વકીલે તેનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે ખાસ નોંધ્યું કે આરોપીએ અગાઉ પણ જામીન અરજી કરી હતી, જે તેણે 09 જુલાઈ 2025 ના રોજ પાછી ખેંચી લીધી હતી. અરજદારના વકીલે સ્વીકાર્યું હતું કે સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હોવાથી હાઈકોર્ટનો કારણો સાથેનો (reasoned) ઓર્ડર મેળવવા માટે આ બીજી અરજી કરી છે.
આ બાબતે કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે જો આરોપી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતો હતો, તો અગાઉની અરજી વખતે જ કારણોસરનો ઓર્ડર માંગી શક્યો હોત. અગાઉ અરજી પાછી ખેંચવી અને હવે કારણો જાણવા ફરી અરજી કરવી તે “કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ” (Abuse of process of law) છે.
આથી હાઇકોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીના વર્તનને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન અરજી રદ કરી હતી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં એક સપ્તાહમાં રૂપિયા 5,000 નો દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

