કાર ચાલકે માતા-પુત્રને ઠોકર મારતા માતાનું મોત : પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Porbandar તા.૨૪
પોરબંદર ફ્લાય ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે માતા-પુત્રને પાછડથી ઠોકર મારતા માતાનું મોત નિપજ્યુ છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા ગોપાલ મસાણીના પત્ની તથા પુત્ર સાથે હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ બનાવની વિગત જોઈએ તો પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક આશાબેન ગોપાલ મસાણી (ઉંમર વર્ષ ૩૭) તથા તેમનો પુત્ર હર્ષ ગોપાલ મસાણી (ઉંમર ૨૧ વર્ષ) રહે છે. આ બંને માતા પુત્ર શનિવારનો રોજ ૮.૩૦ વાગ્યા દરમિયાન કોઈ કામ અર્થે પોતાના એક્સિસ મોપેડ પર બજારે જઈ રહ્યા હતા, ત્યારે ફ્લાય ઓવરબ્રિજ પર તેઓની સાથે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.
રોકડિયા હનુમાન મંદિરથી નરસંગ ટેકરી તરફ જતા ફ્લાય ઓવરબ્રિજ પર માતા પુત્ર જઈ રહ્યા હતા ત્યારે કાળા કલરની ક્રેટા કાર કે જેનો નંબર છે. આ કારના ચાલકે પાછળથી મોપેડને જોરદાર ઠોકર મારતા માતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાને બદલે કાર ચાલક હીટ એન્ડ રન કરી નાસી છુટયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ માતા પુત્રને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આશાબેન મસાણીનું મૃત્યુ નિપજ્યું હતુ, આ ઘટનાની જાણ થતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું. જ્યારે તેમનો પુત્ર હર્ષ ગોપાલ મસાણીને ગંભીર ઇજાઓ પહોંચી છે. તે હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાથી પરિવારજનો માંગ કરી રહ્યાં છે કે, આ ઘટનામાં જે આરોપી કારચાલક છે તેના વિરુદ્ધ કડકમા કડક સજા કરવામાં આવે. સાથે જ પોરબંદના રસ્તાઓ પર પુરપાટ ઝડપે જે વાહનો ચલાવે છે તેમના વિરુદ્ધ પણ કડક જે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધાવા સહિત કાર્યવાહી હાથ ધરી છે.