Vadodara,તા.17
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. છ મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ તેમની છ મહિનાની બાળકી સાથે થોડા સમય પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસીમે તેને આમ કરવાથી રોકી હતી.
પતિએ વારંવાર ના પાડવા છતાં પત્નીએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ પતિને કહ્યું કે, ’તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.’
આ સાંભળી કાસીમ ગુસ્સે ભરાયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, “મેં માર મારવાની ના પાડતા તેણે માર મારવાનું ચાલુ રાખતા મને ગુસ્સો આવી ગયો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું.’

