Maharastra,તા.08
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને મુખ્યમંત્રી પદની ઑફર કરી હોત તો આખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને પોતાની સાથે લઈ આવ્યો હોત. વર્તમાન મુખ્યમંત્રીની આત્મકથા ‘યોદ્ધા કર્મયોગી – એકનાથ સંભાજી શિંદે’ના વિમોચન પ્રસંગે પવારે રમૂજી સ્વરમાં કહ્યું કે રાજકારણમાં હું મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંને કરતા વરિષ્ઠ છું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં શિંદે અને ફડણવીસ પણ હાજર હતા.
અજિત પવારનું દર્દ છલકાયું?
જુલાઈ 2023 માં અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો અને NCP તોડીને ભાજપ-શિવસેના સરકારમાં જોડાઈ ગયા હતા. અજિત પવારે કહ્યું, બધા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ 1999માં અને શિંદે 2004માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા, જ્યારે હું 1990માં પહેલીવાર વિધાનસભાનો સભ્ય બન્યો હતો.
શિન્દે પહેલા મને પૂછવાની જરૂર હતી
અજિત પવારે કટાક્ષમાં કહ્યું કે, “મેં કેટલાક લોકોને મજાકમાં કહ્યું હતું કે જ્યારે તમે (દેખીતી રીતે બીજેપી તરફ ઈશારો કરતા) એકનાથ શિંદેને આટલા બધા ધારાસભ્યો સાથે આવવા કહ્યું હતું અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તમારે મને પૂછવાની જરૂર હતી. હું આખી એનસીપી પાર્ટીને સાથે લઈ આવ્યો હોત.” અજિત પવારના આ નિવેદન પર ત્યાં હાજર બધા લોકો હસી પડ્યા.