America,તા.16
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોથી કિનારો કરી લીધો હતો જેમાં એવા દાવો કરાયો હતો કે તેમણે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણી રશિયા સામે કડક વલણ જાહેર કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં યુક્રેન માટે સૈન્ય સહાયનો નવો જથ્થો પણ સામેલ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે હું રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનથી નિરાશ છું. ટ્રમ્પે કહ્યું કે મેં તાજેતરમાં ઘણા સંઘર્ષોને સમાપ્ત કરવામાં મદદ કરી છે, પરંતુ રશિયા અને યુક્રેનનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને ટ્રમ્પે ‘બાઇડેન યુદ્ધ’ ગણાવ્યું અને ભારપૂર્વક કહ્યું કે મારો ધ્યેય અમેરિકાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો માર્ગ શોધવાનો છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લૉનમાં પત્રકારોને કહ્યું, “હું કોઈના પક્ષમાં નથી. હું માનવતાના પક્ષમાં છું, કારણ કે હું યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે થતા મૃત્યુને રોકવા માંગુ છું.” એક અહેવાલમાં જણાવાયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકી સાથેની ખાનગી વાતચીતમાં પૂછ્યું હતું કે શું યુક્રેનને લાંબા અંતરના અમેરિકન શસ્ત્રો આપવામાં આવે તો તે મોસ્કો પર હુમલો કરી શકે છે?