Ahmedabad,તા.30
ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં કાયદાકીય દસ્તાવેજો માટે અ4 સાઈઝના કાગળના ફરજિયાત ઉપયોગ અંગેનો નિર્ણય ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય ડી. સુથાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર મુજબ, હવે આ નિયમનો અમલ 15 એપ્રિલ, 2026 સુધી મુલતવી (Abeyance) રાખવામાં આવ્યો છે. ત્યાં સુધી વકીલો અને પક્ષકારો અગાઉની રાબેતા મુજબની પદ્ધતિથી ફાઈલિંગ કરી શકશે.
શું છે સમગ્ર વિવાદ અને પૃષ્ઠભૂમિ?
વર્ષોથી ભારતીય અદાલતોમાં `લીગલ સાઈઝ’ (Legal Size) ના લાંબા કાગળોનો ઉપયોગ કરવાની પરંપરા રહી છે. જોકે, આ કાગળો મોંઘા હોવા ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ પણ વધુ બગાડ કરે છે.
આ સમસ્યાના ઉકેલ માટે અને દેશભરની અદાલતોમાં એકરૂપતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે અ4 સાઈઝના પેપર અને તેની બંને બાજુ પ્રિન્ટિંગ (Double-sided printing) કરવાનો આગ્રહ રાખ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે પણ આ દિશામાં પગલું ભરતા ડિસેમ્બર 2025માં એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેનો મુખ્ય ઉદેશ્ય પર્યાવરણની જાળવણીનો હતો અને કાગળની બંને બાજુ પ્રિન્ટિંગ કરવાથી કાગળનો વપરાશ અડધો થઈ જાય છે, જેનાથી હજારો વૃક્ષો બચાવી શકાય છે.
A4 સાઈઝના કાગળો સ્કેન કરવામાં અને ડિજિટલ રેકોર્ડ જાળવવામાં વધુ અનુકૂળ રહે છે. સામાન્ય લિટિગન્ટ્સ (પક્ષકારો) માટે A4 સાઈઝના પેપર વધુ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોય છે.
શા માટે અમલ પાછો ઠેલાયો?
અગાઉ આ નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલી બનવાનો હતો, પરંતુ વકીલોની રજૂઆતો અને વહીવટી કારણોસર તેને સમયાંતરે લંબાવવામાં આવ્યો છે. વકીલ મંડળો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે અચાનક ફેરફાર કરવાથી જૂના પેપર સ્ટોક અને ટાઈપિંગના સેટિંગમાં મુશ્કેલી પડી શકે છે.
હાલમાં જારી કરાયેલા પત્ર મુજબ, નામદાર મુખ્ય ન્યાયાધીશના આદેશથી આ પ્રક્રિયાને હવે 15 એપ્રિલ સુધી મોકૂફ રખાઈ છે. આ નિર્ણયની જાણ અમદાવાદની સિટી સિવિલ કોર્ટ, ફેમિલી કોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ કોર્ટ અને રાજ્યની તમામ જિલ્લા અદાલતોને કરી દેવામાં આવી છે. 15 એપ્રિલ બાદ ગુજરાતની ન્યાયપાલિકા સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી A4 પેપર સિસ્ટમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

