Islamabad,તા.૧૦
જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફની સરકાર સાથે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. આનાથી સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ વચ્ચે સમાધાનનો અવકાશ સમાપ્ત થઈ ગયો છે. પીટીઆઈ નેતા ઓમર અયુબ ખાને પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત ફરી શરૂ થવાની શક્યતાને નકારી કાઢી છે.એક મીડિયા રિપોર્ટમાંથી આ માહિતી મળી હતી.
“વાતચીતનો પ્રકરણ હવે બંધ થઈ ગયો છે,” નેશનલ એસેમ્બલીમાં પીટીઆઈના નેતા અયુબે શનિવારે એક ચેનલને જણાવ્યું. અયુબે કહ્યું કે રાજકીય સંવાદ ફક્ત ઇચ્છાઓ પર આધારિત નથી, પરંતુ તેમાં દ્રઢ પ્રતિબદ્ધતાની જરૂર છે અને સરકાર તે દર્શાવવામાં નિષ્ફળ ગઈ છે. ગઠબંધન સરકારના વાટાઘાટોના અભિગમની નિંદા કરતા, પીટીઆઈના વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેમની પાર્ટીની સમિતિએ સદ્ભાવનાથી ચર્ચા શરૂ કરી હતી. “જોકે, બીજી બાજુએ ન તો સદ્ભાવના બતાવી કે ન તો ઇચ્છાશક્તિ, જેના કારણે મડાગાંઠ સર્જાઈ,
અયુબની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પીટીઆઈ અને સરકાર વચ્ચે મહિનાઓ સુધી રાજકીય તણાવ વધ્યા પછી ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલી વાટાઘાટો અટકી ગઈ છે. ૯ મેના રમખાણો અને નવેમ્બર ૨૦૨૪ના વિરોધ પ્રદર્શનોની તપાસ માટે ન્યાયિક કમિશન બનાવવામાં સરકારની નિષ્ફળતાને ટાંકીને પીટીઆઈએ ચોથા રાઉન્ડની વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.