બે વર્ષ પહેલાં અપહરણ કરી નદીના પટમાં દુષ્કર્મ આચર્યાનો ગુનો સાબિત થતાં સ્પે.પોક્સો કોર્ટે ફટકારી સજા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૫ઃ
અમરેલીમાં રહેતી એક સગીરા ઉ પર છરીની અણીએ બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અને ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦ હજારના દંડની સજા ફટકારી છે.
આ કેસની હકીકત મુજબ, અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલા ભારતનગર વિસ્તારમાં રહેતો આરોપી અબ્દુલભાઈ નનુભાઈ ઉર્ફે દિનમહમદભાઈ કુરેશી (જુણેજા) ભોગબનનાર તરૂણીનો કૌટુંબિક સગો થતો હોય ત્યારે ગત તા.૧૪-૯-૨૪ના રોજ ભોગ બનનાર તરૂણી બીમાર હોવાથી મજૂરી કામે ગઈ ના હોતી અને ઘરે એકલી હતી. તે દરમિયાન આરોપી રાત્રિના આશરે ૧૦ વાગ્યે તેણીના ઘરે પહોંચ્યો હતો.
આરોપીએ ભોગ બનનારની એકલતાનો લાભ લઈ છરી બતાવી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. પરંતુ ભોગ બનનારે આરોપી સાથે જવાની ના પાડતાં આરોપીએ તેના ગળા પર છરી રાખી દીધી હતી. આ દરમિયાન આરોપીના હાથમાં રહેલી છરીથી ભોગ બનનારને દાઢીની નીચે ગળાના ભાગે ઇજા પણ પહોંચી હતી.
ત્યાર બાદ આરોપીએ ભોગ બનનારની ઇચ્છા વિરુદ્ધ અપહરણ કરી ભારતનગર નજીક નદીના પટમાં લઈ જઈ છરીની અણીએ તેણીના કપડાં ઉતરાવી અને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. આ કૃત્ય બાદ પણ આરોપીએ ભોગ બનાનાર તરૂણીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જે તે સમયે ભોગ બનનારે આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે અમરેલીના બીજા એડી.સેશન્સ કોર્ટ અને અમરેલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીએ આરોપી વિરૂધ્ધ રજૂ કરેલા પુરાવા અને દલીલોને સ્પેશિયલ પોક્સો કોર્ટેના જજ પી.એન.દવે એ માન્ય રાખી અને પુરાવાના આધારે કોર્ટે આરોપી અબ્દુલભાઈ નનુભાઈ ઉર્ફે દિનમહમદભાઈ કુરેશી (જુણેજા), (હાલ રહે.મહારાષ્ટ્ર)ને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭ (૨), ૮૭, ૬૪ (૨) (આઈ), ૬૪ (૨)(એફ), ૧૧૮(૧) તથા પોક્સો અધિનિયમ, ૨૦૧૨ની કલમ ૪, ૬, ૮ અને ૧૦ હેઠળના ગુનાઓ સંદર્ભે સજા સંભળાવી હતી. પોક્સો અધિ.ની કલમ ૬ હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

