Jasdan, તા. 22
જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. 351.83 લાખના ખર્ચે નિર્મિત જસદણ તાલુકાના કૂંદણી કનેસરા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમયને પારખીને ચાલવાથી જ કામમાં યોગ્ય પરિણામ લાવી શકાય છે. ત્યારે જસદણ તાલુકાના વિવિધ ગામોના નવા રસ્તાઓ બનાવવા, રી- કાર્પેટિંગ, બ્રિજ, કોઝ વે સહિતની કામગીરીથી ગ્રામજનોને સુવિધા મળી રહે.
જેમાં જસદણના કૂંદણી અને કનેસરા ગામને જોડતા 4.3 કિલોમીટર સુધીના નવા રસ્તાના નિર્માણથી ગ્રામજનોના સમયનો બચાવ, આર્થિક બચાવ અને સલામત રીતે અવરજવર કરી શકાશે. અહીંયાના ખેડૂતોએ શાકભાજીના વેચાણ માટે અન્ય ગામો તરફ જવા આ રસ્તો પણ મદદરૂપ થશે.
કૂંદણી ગામમાં તળાવ બનવાના લીધે આસપાસના ખેડુતોને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવી શકાયું છે. કૂંદણીથી પારેવડા ગામ તરફ જતાં રસ્તાના કામની મંજૂરી ટૂંક સમયમાં કરવામાં આવશે. વધુમાં મંત્રી કુંવરજીભાઈ એ કનેસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા હાઈસ્કુલના મકાન અને બાળકોને મળનાર સુવિધાઓ અંગે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે.
કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ સિંચાઈની યોજનાઓના કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, જસદણ અને વિંછીયાના વિદ્યાર્થીઓને કોલેજ, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને આઈ.ટી.આઈ. સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ તકે અગ્રણીઓ પ્રાગજીભાઈ કુકડીયા, મુકેશભાઈ મેર, જેહાભાઈ બાવળિયા, મગનભાઈ મેટાળિયા, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, જન પ્રતિનિધિશ્રીઓ, નાયબ મામલતદાર મનસુખ સોરાણી, માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસર તેજસભાઇ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.